Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ખેડા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને રંગેહાથે ઝડપી પાડી

નડિયાદ : ખેડા જિલ્લા એલસીબી પોલીસે નડિયાદ બસ સ્ટેન્ડ બહારથી એક મહિલાને વિદેશી દારૂના ક્વાર્ટર નંગ ૪૮ કિંમત રૂ. ૪૮૦૦, ફતેપુરા રીંગરોડ પર આવેલ આંબાવાડીયા વિસ્તારમાંથી બીયર તીન નંગ ૪૩૨ કિંમત રૂ. ૫૧,૮૪૦ સાથે તથા ડુમરાલ પાસેથી એક ઈસમને ક્વાર્ટર નંગ ૯ કિંમત રૂ. ૧૧૨૫ ના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. આ સંદર્ભે એલસીબી પોલીસે નડિયાદ ટાઉન તથા રૂરલ પોલીસ મથકે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એલસીબી પોલીસના જવાનો નડિયાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન બાતમી મળેલ કે નડિયાદ બસ સ્ટેન્ડ બહાર એક મહિલા કંઈક શંકાસ્પદ વસ્તુ સંતાડેલ હોવાનું જણાય છે. જે બાતમી આધારે પોલીસે તપાસ કરતા એક મહિલા શંકાસ્પદ હાલતમાં આંટા ફેરા મારતી હતી. જેથી પોલીસે તેને પકડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુમીબેન રાજુભાઈ ભૂમિયા (ઉંમર વર્ષ ૩૭)(રહે. બોરખેડા તા. જી. દાહોદ) હોવાનો જણાવ્યું હતું. પોલીસ પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેણીને સરકારી વાહનમાં બેસાડી એલસીબી ઓફિસે લઈ આવ્યા હતા. જ્યાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા તપાસ કરતા તેના શરીરે સેલોટેપ મારી વિદેશી દારૂનો જથ્થો ક્વાર્ટર નંગ ૪૮ કિંમત રૂ. ૪૮૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની અંગ જડતી દરમિયાન રોકડા રૂ. ૨૦૦ મળી કુલ રૂ. ૫૦૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે એલસીબી પોલીસની ફરિયાદના આધારે શહેર પોલીસે સુમીબેન ભુરીયા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:14 pm IST)