Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સની સફળતાને પગલે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની દેશભરમાં વધુ એક અભિનવ પહેલ : રાજ્યની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓની વાંચન-ગણિત-વિજ્ઞાનને લગતી એબિલિટીઝના ઇન્ટરનેશનલ લેવલના એસેસમેન્ટ માટે PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ યોજાશે

આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થા ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ OECD સાથે એગ્રીમેન્ટ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ- OECD પેરિસના ડાયરેક્ટર શ્રીયુત એન્ડ્રીઆસ સ્લાયશરની પ્રેરક ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં એગ્રીમેન્ટ સંપન્ન થયા : શિક્ષણ મંત્રી -  રાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

રાજકોટ તા.૪ :ગુજરાતની ર૦ હજાર જેટલી સરકારી શાળાઓમાં અદ્યતન ફિઝીક્લ, ડિઝીટલ અને લર્નીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન દ્વારા દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’નો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સફળતાપૂર્વક અમલ થઇ રહ્યો છે. 

સરકારી શાળાઓમાં ગ્રેડ એપ્રોપ્રિયેટ લર્નિંગ આઉટ કમ ના ઉમદા હેતુથી કાર્યરત આ મિશનની સફળતાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તાને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવાની વધુ એક અભિનવ પહેલ કરી છે. 

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થા ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ OECD  સાથે ગાંધીનગરમાં એગ્રીમેન્ટ-કરાર કર્યા છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને OECD પેરિસના ડાયરેક્ટર શ્રીયુત એન્ડ્રીઆસ સ્લાયશરની પ્રેરક ઉપસ્થિતીમાં આ એગ્રીમેન્ટ સંપન્ન થયા હતા. 

આ સંસ્થા OECD દ્વારા વિશ્વભરમાં PISA-પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટનું આયોજન કરવામાં આવે છે. ૧પ વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓના ક્રિટીકલ થિન્કીંગ, પ્રોબ્લેમ સોલ્વીંગ અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન જેવી એબિલિટીઝના એસેસમેન્ટ માટે આ ટેસ્ટ યોજવામાં આવતી હોય છે. 

સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં ગ્રેડ એપ્રોપ્રિયેટ લર્નિંગ આઉટ કમ સાથોસાથ લાઇફ એપ્લિકેશન સ્કીલ ડેવલપમેન્ટ તેમજ વાંચન, ગણિત અને વિજ્ઞાનને લગતી એબિલિટીઝનું ઇન્ટરનેશનલ લેવલનું એસેસમેન્ટ થાય તેવા હેતુસર રાજ્યની સરકારી શાળાઓને પણ આ PISAમાં ભાગ લેવા સજ્જ કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિબદ્ધ છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રતિબદ્ધતાને રાજ્યના શિક્ષણ વિભાગે આ એગ્રીમેન્ટ દ્વારા વાસ્તવિક સ્વરૂપ આપવા દેશભરના રાજ્યોમાં પ્રથમ પ્રશસ્ય પહેલ કરી છે. 

આવનારા સમયમાં ગુજરાતની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને PISAમાં સહભાગીતા માટે સક્ષમ બનાવવા PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ PBTS હવે આવી શાળાઓમાં લેવામાં આવશે. 

PISA ટેસ્ટની મુખ્ય તૈયારીઓના ભાગરૂપે OECD દ્વારા આ પ્રકારની PBTSનું આયોજન કરવામાં આવે છે. 

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ માટેના એગ્રીમેન્ટ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે OECD સાથે કરવાના પરિણામ સ્વરૂપે હવે, રાજ્યની સરકારી શાળાઓમાં PBTSનું આયોજન કરાશે. 

ગુજરાતમાં આવી PBTSનું આયોજન સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના ગ્રેડ એપ્રોપ્રિયેટ લર્નિંગ આઉટ કમ અને લાઇફ એપ્લિકેશન સ્કિલ્સ ઇન્ટરનેશનલ સ્તરના બનાવવામાં મહત્વપૂર્ણ પૂરવાર થશે. 

આ પ્રસંગે OECDના ડાયરેક્ટર શ્રીયુત એન્ડ્રીઆસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં ચાલી રહેલા જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રોજેક્ટની પણ પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રયોગનું ઇન્ટરનેશનલ લેવલે અનુકરણ થઇ શકે તેમ છે. 

OECD દ્વારા ગુજરાત સરકાર સાથે કરાયેલા PBTS અંગેના એગ્રીમેન્ટને કારણે રાજ્યની સરકારી શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગ્લોબલ સ્ટાર્ન્ડડ મુજબનું એક્સપોઝર મળશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.  

OECD જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા સાથે એગ્રીમેન્ટ કરનારા દેશના એક માત્ર રાજ્ય તરીકે ગુજરાતે આ ગૌરવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં મેળવ્યું છે.

આ એગ્રીમેન્ટ પર ગુજરાત સરકાર વતી સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. રતનકંવર ગઢવીચારણ અને OECD વતી શ્રીયુત એન્ડ્રીઆસ સ્લાયશર તેમજ શ્રીયુત કેવીન ઓ’બ્રિને હસ્તાક્ષર કર્યા હતા અને એગ્રીમેન્ટ એક્સચેન્જ કર્યા હતા. 

આ એગ્રીમેન્ટ સાઇનીંગ અવસરે શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર, રાજ્ય મંત્રી પ્રકુલભાઇ પાનસેરિયા, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ વિનોદ રાવ, મુખ્યમંત્રીના સચિવ  અવંતિકાસિંઘ તેમજ શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ આ એગ્રીમેન્ટ સાઇનીંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:43 pm IST)