Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સગાવાદ : કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થનાર કોર્પોરેટરના પુત્રને રામોલથી ટિકિટ

સ્થાનિક કાર્યકરોમાં રોષનો માહોલ : પ્રદેશ પ્રમુખે કહ્યું હતું - કોઇ પણ સગાવ્હાલાને ટિકિટ નહીં અપાય

અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નવા ચહેરાને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તક આપવા માટે ત્રણ ટર્મથી વધુ ચુંટાઇને આવતા કોર્પોરેટરો, 60 વર્ષ વટાવી ચુકેલા કાર્યકરોને ટિકિટ ના આપવાની વાત કjr હતી. સાથે જ તેમણે જણાવ્યું હતુ કે કોઇ પણ સગાવ્હાલાને ટિકિટ નહીં અપાય. જોકે રામોલના કોંગી કોર્પોરેટર ભાજપમાં આવ્યા છે અને તેમના દિકરાને ટિકિટ આપી દેવામાં આવી છે. જેથી સ્થાનિક કાર્યકરો વચ્ચે રોષ જોવા મળી રહ્યો છે

 ભાજપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે તમામ 48 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તેમાં રામોલના કોર્પોરેટર અતુલ પટેલ જે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા, તેમના પુત્ર મૌલિક અતુલ પટેલને રામોલ વોર્ડથી ટિકિટ આપવામાં આવી છે. એક તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જાહેરાત કરે છે કે સગાવ્હાલાને ટિકિટ નહીં આપવામાં આવે, બીજી તરફ કોર્પોરેટરના પુત્રને ટિકિટ આપી દેવામાં આવે છે. આ બાબતે સ્થાનિક કાર્યકરોમાં રોષનો માહોલ સર્જાયો છે

આ ઉપરાંત પૂર્વ મેયર અને બોર્ડ ના મેમ્બર કાનાજી ઠાકોર ના ભત્રીજાને પણ ભાજપે ટિકિટ આપી છે. જોકે જોકે પીએમ મોદીની ભત્રીજી સોનલ મોદીએ કોર્પોરેશનના ઇલેક્શનમાં ટિકિટ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી નથી. તેમજ પક્ષના નેતા અને પૂર્વ મેયર અમિત શાહ દ્વારા પણ તેમના પુત્ર માટે ટિકિટની માગણી કરવામાં આવી હતી, પરંતુ તેમને પણ ટિકિટ આપવામાં આવી નથી.

 ગુજરાતની 6 મહાનગર પાલિકા માટે 21મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવવાની છે, જ્યારે 23મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. તેના માટે ભાજપે આજે એટલે ગુરુવારના રોજ 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે

(1:09 am IST)