Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સુરત વોર્ડ ન, 3ના ભાજપના ઉમેદવારો સામે સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ : પેજ કમિટી સળગાવીને વિરોધ

વોર્ડ કાર્યાલયે કાર્યકરોએ કહ્યું ઉમેદવારો બદલો નહીતર સીટ ગૂમાવવાનો વારો આવી શકે

સુરત:વોર્ડ નંબર 3માં ભાજપે દક્ષાબેન લવજીભાઈ ખેની, ભાવનાબેન રાજેશભાઈ દેવાણી તથા ધર્મેશભાઈ ગોરધનભાઈ સરસીયા અને ભાવેશભાઈ શંભુભાઈ ડોબરીયાને ટિકિટ આપી છે. આ ચારેય ઉમેદવાર સ્થાનિક કાર્યકરોને પસંદ ન હોય તે રીતે ભાજપના વોર્ડ કાર્યાલય પર જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.સુરત પાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 30 વોર્ડના 119 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારોને લઈને સ્થાનિક ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

 ચીકુવાળી ખાતે આવેલા વોર્ડ નંબર 3ના કાર્યાલય પર પહોંચીને કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. પોતાની પસંદગીના ઉમેદવાર ન મૂકાયા હોવાથી 200થી વધુ કાર્યકરોએ સ્થાનિક ઉમેદવાર ઉભો રાખવાની માંગ કરી હતી.

 આયાતી ઉમેદવારથી રોષે ભરાયેલા વોર્ડ નંબર 3ના કાર્યકરોએ રોષ સાથે કહ્યું કે, વર્ષોથી જીવના જોખમે મહેનત કરે છે એ કાર્યકરોનો ભાવ પૂછાયો નથી. જે તે વખતે કાર્યકરોનો વિરોધ કરનારાને જ ટિકિટ આપવામાં આવી છે. આવા આયાતી ઉમેદવાર અમારા વોર્ડને ચાલે એમ નથી. માટે અમે સખત વિરોધ કરતાં પેજ કમિટી સળગાવીને વિરોધ કર્યો છે. વોર્ડ નંબર 3ના કાર્યાલય પર પોતાના ઉમેદવારની જગ્યાએ આયાતી ઉમેદવારને ટિકિટ અપાઈ હોવાના રોષ સાથે હોબાળો  કરાયો છે કાર્યકરે  કહ્યું કે, આ ચારેય આયાતી ઉમેદવાર અમને પસંદ નથી તમે આ ઉમેદવારો બદલો નહીતર સીટ ગૂમાવવાનો વારો આવી શકે છે.

(10:38 pm IST)