Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ગાંધીનગર અક્ષરધામમાં 11 મહિના બાદ લેઝર શો રાઇડ્સ સહિત તમામ સુવિધાનો લાભ હવે દર્શાનાર્થી લઇ શકશે

અક્ષરધામના તમામ વિભાગ શનિવારથી પૂર્વવત શરુ કરવાનો નિર્ણય

અમદાવાદ : ગુજરાતના પાટનગરમાં પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર અક્ષરધામ હવે સંપૂર્ણપણે ખુલી રહ્યું છે. BAPSના આયોજકોએ અક્ષરધામના તમામ વિભાગ 6 ફેબ્રુઆરીથી પૂર્વવત શરુ કરવાનો નિર્ણય લીધો છે

આ અંગે ગુરુવારે જાહેરાત કરાઇ હતી. જેમાં જણાવ્યું કે શનિવારે 6 ફેબ્રુઆરીથી સવારના 11 વાગ્યાથી સાંજના 7.30 સુધી અક્ષરધામના તમામા વિભાગ દર્શાનાર્થીઓ માટે ખુલ્લા રહેશે.

વધુમાં આશરે 11 મહિનાથી બંધ વિશ્વવિખ્યાત લાર્જ ફોર્મેટ ફિલ્મ ‘મીસ્ટિક ઇન્ડિયા’ પણ હવેથી દર રોજ જોવા મળશે. ઉપરાંત સચ્ચિદાનંદ વોટર શો,ઓડિયો એનિમેટ્રોનિક્સ શો, વિવિધ લાઇટ્સ અને સાઉન્ડ શો તેમજ તમામ રાઇડ્સની મજા પણ દર્શાનાર્થી અને મુલાકાતીઓ માણી શકશે

નોંધનીય છે કે દેશમાં કોરાના મહામારી ફેલાયા બાદ અન્ય સંસ્થાઓની જેમ અક્ષરધામ પણ જાહેર જનતા માટે બંધ કરાયું હતું. ત્યારે બાદ સરકારની કોવિડ-19 માર્ગદર્શિકા સહિતના નિયમોનું પાલન કરવાની સાથે 1 ડિસેમ્બરથી ભગવાનના દર્શનની છૂટ અપાઇ હતી. સાથે સચ્ચિદાનંદ શો સહિત કેટલાક મર્યાદિત વિભાગ પણ શરુ કરાયા હતા.

છેલ્લા બે મહિનાથી સફળ આયોજન થતાં હવે મંદિરના આયોજકોએ અક્ષરધામ સવારે 11થી સાંજના 7-30 સુધી સંપૂર્ણપણે ખોલવાનો નિર્ણય લીધો છે

દેશ વિદેશના દર્શનાર્થી માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો સચ્ચિદાનંદ વોટર શો દર રોજ સાંજે 6.45 કલાકે યોજવામાં આવશે. તેમજ તમામ પ્રદર્શન ખંડો, ઔષધીઓ અને પ્રેરક પુસ્તકો મેળવવા માટેના બુક સ્ટોલ, બાળકો યુવાનો માટેની રાઇડ્સ, પ્રેમવતી ઉપહાર ગૃહ પણ ખુલ્લું રહેશે.

નોંધનીય છે કે મહામારીના વિકટ સમયમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા અને સ્વામિનારાયણ અક્ષરધામ દ્વારા અનેક સેવા પ્રવૃત્તિઓ થકી સમાજના તમામ વર્ગોને રાહત પહોંચાડી હતી

(9:42 pm IST)