Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ઓરિજનલ ડોક્યુમેન્ટ લઈને જવામાંથી અરજદારોને મુક્તિ

પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયામાં રાહત

અમદાવાદ, તા. : પાસપોર્ટની પ્રોસેસ માટે પોતાની અગત્યના સર્ટિફિકેટ અને કાગળો લઈને જવું પડતું હતું તેમાંથી છૂટકારો મળી ગયો છે. એટલે કે પાસપોર્ટ માટે એપોઈન્ટમેન્ટથી લઈને સહાયતા કેન્દ્ર કે પાસપોર્ટ ઓફિસમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને તેની ઝેરોક્ષ લઈ જવાથી મુક્તિ મળી ગઈ છે. એટલે કે અરજદારે પોતાની અરજી કરતી વખતે જરુરી તમામ ડોક્યુમેન્ટ્સ ડિજિલોકર એપ્લિકેશન પર અપલોડ કરી દેવાના રહેશે. એટલે કે અહીંથી ડોક્યુમેન્ટ્સ ચેક થઈ જશે અને જ્યારે અરજદાર ત્યાં પહોંચશે ત્યારે કાગળોનો થોથો ઉચકીને જવાની જરુર નહીં પડે. અરજદારે પાસપોર્ટ ઓફિસમાં અરજી માટે કોઈ ડોક્યુમેન્ટ્સ લીધા વિના જવું પડશે એટલે કોરોનાનો ચેપ કે અન્ય સાવચેતીમાંથી છૂટકારો મળશે.

ગુજરાત રિજનલ પાસપોર્ટ ઓફિસર રેના મિશ્રાએ ડિજિટલ ઈન્ડિયા અભિયાન અંગે માહિતી આપીને જણાવ્યું કે, જ્યારે પણ અરજદાર પાસપોર્ટ ઓફિસ કે પાસપોર્ટ સહાયતા કેન્દ્ર કે અન્ય કેન્દ્ર પર જતા હતા ત્યારે તેમણે અપોઈન્ટમેન્ટ દરમિયાન પોતાના ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડતા હતા. પછી અધિકારીઓ દ્વારા તેને તપાસ્યા બાદ પરત આપવામાં આવતા હતા. પાસપોર્ટની કામગીરી માટે દૂરથી આવતા અરજદારોની ડોક્યુમેન્ટ્સ ભૂલી જવાની અને ખોવાઈ જવાની ફરિયાદ રહેતી હતી આવામાં હવે ડિજિટલ ઈન્ડિયા અભિયાનના કારણે તેમાંથી મુક્તિ મળશે. એટલે કે ઓનલાઈન અરજી કરતી વખતે અરજદારને ડિજિલોકરનો વિકલ્પ મળી જશે. જેથી ત્યાં જરુરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા પછી તેને સાથે લઈ જવાની જરુર નહીં પડે.

ઓનલાઈન અરજી કરવાની સાથે પોર્ટલ પર ધોરણ-૧૦ની માર્કશીટ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ તથા પાન કાર્ડ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. જેનું પાસપોર્ટ વેરિફિકેશન કરી દેવાશે અને અરજદાર પાસપોર્ટ સહાયતા કેન્દ્ર કે પાસપોર્ટ ઓફિસ પર પહોંચે ત્યારે તેની સાથે ડીલ કરનાર અધિકારી કે કર્મચારી સ્ક્રીન પર અરજદારની તમામ વિગતો તૈયાર રહેશે.

(7:51 pm IST)