Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

આજે વર્લ્ડ કેન્સર ડેઃ સુરતના શીત કલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેન્સર રોગથી પીડિત મહિલાઓ માટે વાળ ગુમાવવાની પીડા સમજી હવે સુરતની મહિલાઓ વાળ ડોનેટ કરવા આગળ વધી

સુરત: વાળ એ દરેક સ્ત્રીનું એક ઘરેણું છે. પરંતુ કેન્સરની સારવાર દરમિયાન મોટાભાગની મહિલાઓ પોતાના વાળ ગુમાવી દે છે. આ મહિલાઓની તકલીફ ભાગ્યે જ કોઈ સમજી શકે. હવે લોકોમાં આ મામલે પણ જાગૃતિ આવી છે. તેથી જ હવે અનેક મહિલાઓ કેન્સર રોગથી પીડિત મહિલાઓ માટે વાળનું દાન કરવા આગળ આવી રહી છે. જેમાં 10 વર્ષની કિશોરીઓથી લઈને 80 વર્ષના વૃદ્ધાઓનો પણ સમાવેશ થાય છે. સુરતમાં મહિલાઓ હવે વાળ દાન કરવા માટે જાગૃત થઈ રહી છે.

આજે 4 ફેબ્રુઆરીનો દિવસ વર્લ્ડ કેન્સર દે તરીકે મનાવાય છે. જીવલેણ કેન્સરના કારણે પોતાના વાળ ગુમાવનાર મહિલાઓના દર્દ તે જ સમજી શકે કે જે પોતાનો વાળ અતિપ્રિય હોય. કેન્સર રોગથી પીડિત મહિલાઓ માટે વાળ ગુમાવવાની પીડા સમજી હવે સુરતની મહિલાઓ વાળ ડોનેટ કરવા આગળ વધી રહી છે. વિદેશોમાં વાળ ડોનેટ કરવાનો ટ્રેન્ડ છે. પરંતુ ભારતમાં ધીરે ધીરે અવેરનેસ આવી રહી છે. હવે સુરતી મહિલાઓમાં પણ વાળ દાન કરવાનું ચલણ વધ્યું છે. આ માટે કાર્યરત છે સુરતનું શીત કલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ.

આ અંગે શીત કલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના કલ્પેશ શાહ કહે છે કે, સુરતમાં હવે 10 વર્ષની કિશોરીઓથી લઈને 80 વર્ષની વૃદ્ધા સુધી વાળ દાન કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને યુવા વર્ગ જેમાં 30 વર્ષની યુવતીઓનો સમાવેશ થાય છે. મારી પાસે અત્યાર સુધીમાં 80 મહિલાઓએ વાળ ડોનેટ કર્યા છે. જેમાંથી 5 જેટલી મહિલાઓને અમે વિગ આપી પણ છે. મારી પાસે 15 મહિનાની બાળકીના પણ વાળ દાનમાં આવ્યા છે. જેના જન્મ બાદ પ્રથમ વખત બાબરીના જ વાળ હતા. તો 84 વર્ષના એક દાદીએ પણ તેમના વાળનું દાન કર્યું છે.

તેઓ કહે છે કે, હવે મહિલાઓ વાળનું મહત્વ સમજી ચૂકી છે. તેથી કેન્સર પીડિત મહિલાઓની મદદ માટે આગળ આવે છે. આ વાળથી અમે વિગ બનાવીએ છીએ. બીજી તરફ વાળનું દાન આપનાર કમળાબેન ઠક્કરના પૌત્રી કહે છે કે, મારા દાદીની ઉંમર 84 વર્ષની છે. એમની ઈચ્છા હતી કે તેઓ વાળનું દાન કરે અને એટલે જ અમે તેમના વાળનું દાન કર્યું છે. મારા દાદી આજે વાળનું દાન કરીને ખૂબ જ ખુશ છે. તેમના આ વાળ કોઈ કેન્સર પીડિત મહિલા માટે ઘરેણુ બનશે.

(5:45 pm IST)