Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમદાવાદના મણીનગરમાં ૧૦ દિવસની બાળાને ત્યજી દેવાના કેસમાં અપરિણીત યુવતિની પુત્રી હોવાથી ત્યજી દીધી હતીઃ પોલીસ રાજસ્થાન તપાસમાં જશે

અમદાવાદઃ મણિનગરમાં 10 દિવસની બાળકીને ત્યજી દેવાના કિસ્સામાં પોલીસે એક મહિલા અને રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. જે કેસમા પોલીસ તપાસ ચોંકાવનારો ખુલાસો થયો છે કે મહિલા આરોપી બાળકી રાજસ્થાનથી ત્યજીદેવા માટે આવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપી સુધી પહોંચી હતી. ત્યારે આ કેસમાં વધુ આરોપી ઝડપાય તે માટે મણીનગર પોલોસે તજવીજ હાથ ધરી છે.

મણિનગરમાં તાજેતરમાં જ 10 દિવસની બાળકીને ત્યજી દેવાના કિસ્સામાં પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આટલા દિવસ બાદ બાળકી કોની તે વાત પરથી પરદો ઉચકાયો છે. મહિલા આરોપીની તમામ કહાની ખોટી નીકળી અને સામે આવ્યું એવું સત્ય જે સાંભળીને રુવાટા ઉભા થઇ જાય. મહિલા આરોપીએ બાળકી વિશે કબૂલાત કરી અને પોલીસને જણાવ્યું કે તેની જ મિત્રની અપરિણીત પુત્રીની આ બાળકી છે. બાળકીની માતા અપરિણીત હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને તેથી સમાજમાં કલંક ન લાગે તે માટે આ ષડયંત્ર રચાયું હોવાનું પોલીસે જણાવ્યું છે. મણિનગરમાં જોગણી માતાજીના મંદિર 10 થી 12 દિવસની નવજાત બાળકીને ત્યજી દેનાર આરોપીઓ તો ઝડપાયા હતા. પણ ત્રણેક દિવસથી પોલીસને આરોપીઓની પૂછપરછમાં સફળતા મળતી ન હતી. પણ બાદમાં  રાજસ્થાનની મહિલા પ્રસન્ના પ્રજાપતિની પૂછપરછમાં મહત્વના ખુલાસા થયા અને કેસની અનેક હકીકતો પોલીસને જાણવા મળી છે.

આરોપી પ્રસન્નાએ તેની જ બહેનપણી મોનાબહેનની પૌત્રી હોવાનું સામે આવ્યું છે. આરોપી અત્યારસુધી પોલીસને કહેતી હતી કે તેને આ બાળકી હાઇવે પરથી મળી હતી અને બાદમાં તે મંદિરના ઓટલે મૂકી ગઈ હતી. પણ આ ખોટી કહાની પર પોલીસને પહેલેથી ભરોસો ન હતો અને કડક પૂછપરછ કરતા બાળકીની માતા કોણ તે બાબતે આરોપી મહિલાએ કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી પણ આ એક વાત સિવાય આરોપી પ્રસન્ના કઈ બોલતી નથી. જેથી હવે આગામી સમયમાં એક ટીમ આરોપીની મિત્રની પૂછપરછ અને અટકાયત કરવા રાજસ્થાન મોકલાશે. પણ એક વાત પોલીસ તપાસમાં એવી પણ સામે આવી છે કે જે બાળકીની માતા છે તે કદાચ 19 વર્ષની છે અને તે અપરિણીત પણ છે. ત્યારે આ બાળકીની માતા ના કોની સાથે સંબંધો બંધાયા અને આ બાબતે કોઈ ગુનો રાજસ્થાનમાં નોંધાયો છે કે કેમ તે પણ તપાસ કરાશે.

બાળકી મળી ત્યારે બારેક દિવસની હતી અને આરોપી પ્રસન્ના પંદરેક દિવસથી અમદાવાદમાં હોવાનું રટણ કરે છે. જેથી આ ષડયંત્ર પહેલેથી ઘડાયું હોવાનું મનાય રહ્યું છે. બીજીતરફ સમાજમાં કલંક ન લાગે તે માટે બાળકી ત્યજી દીધું હોવાનું પોલીસ માને છે. તો બીજીતરફ હવે પોલીસ આરોપી પ્રસન્નાના સીડીઆર કઢાવી તે ક્યાંથી, કેવી રીતે, કયા વાહનમાં આવી અને કેટલા દિવસથી આવી કોની સાથે વાતચીત કરી કોના સંપર્ક માં હતી તે બાબતે ખુલાસો કરાશે. ત્યારે આ કેસમાં બાળકીના વાલી નો તો પતો લાગ્યો પણ તે લોકો ય હવે આ કેસમાં આરોપી બને તો કોઈ નવાઈ નથી.

(5:41 pm IST)