Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ગાંધીનગર શહેર નજીક સરઢવમાં ચાર વર્ષ પહેલા કિશોરીનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર નરાધમને અદાલતે દસ વર્ષની સખત કેદની સુનવણી કરી

ગાંધીનગર:શહેર નજીક આવેલા સરઢવમાં ચાર વર્ષ અગાઉ અપહરણ કરીને તેને અલગ અલગ સ્થળે લઈ જઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે સંદર્ભે પેથાપુર પોલીસમાં અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો. જે કેસ ગાંધીનગર સ્પે.પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલોને ગ્રાહય રાખી આરોપીને બળાત્કાર અને અપહરણના ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.  

આ કેસની મળતી વિગતો પ્રમાણે શહેર નજીક આવેલા સરઢવમાં ગત તા.૪ માર્ચ ર૦૧૭ના રોજ આરોપી સંજય વિરમભાઈ દેવડાએ તેના સાગરીતો સાથે મળીને સગીરાનું અપહરણ કર્યું હતું અને અલગ અલગ સ્થળે તેને રાખીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આરોપી અને તેના સાગરીતો સામે પેથાપુર પોલીસ મથકમાં અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના પગલે આ કેસ ગાંધીનગર સ્પે.પોક્સો જજશ્રી કે.એમ.સોજીત્રાની કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલ સુનિલ એસ.પંડયાએ કેસની કાર્યવાહી ચલાવી હતી. તેમણે દલીલો કરી હતી કે ભોગ બનનાર સગીરા ગામડાની છે અને તેના માતાપિતા મજુરી કરે છે અને કાયદાથી અજ્ઞાાન છે. ભોગ બનનાર સગીર વયની હોય તેની સંમતિ કોર્ટે ધ્યાને રાખી શકાય નહીં અને તેની સાથે આરોપીએ પરણીત અને બાળકોનો પિતા હોવા છતાં ગુનો આચર્યો છે જેથી કાયદામાં દર્શાવેલી સખતમાં સખત સજા તેને થવી જોઈએ. જેના પગલે કોર્ટે આરોપી સંજય વિરમભાઈ દેવડા રહે.સરઢવને અપહરણ અને બળાત્કારના ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને ૧૩ હજારનો દંડ ભરવા પણ હુકમ કર્યો છે.

(5:23 pm IST)