Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

શું ભાજપને પાઠ ભણાવવા શંકરસિંહની ફરી કોંગ્રેસમાં થઈ રહી છે એન્ટ્રી ?

'બાપુ'ની ઘરવાપસીનો તખ્તો તૈયાર

રાજકોટઃ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમા જોડાવાના છે તેવી વાતો સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા ચર્ચામાં આવી છે.  બાપુના સર્મથકોની ઇચ્છા છે કે બાપુ કોંગ્રેસમા જોડાય.

નોંધનીય છે કે, ગઈકાલથી ચર્ચા છે કે શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં આવી શકે છે. કૉંગ્રેસમાં જોડાવવા માટેનો અંતિમ નિર્ણય સોનિયા અને રાહુલ ગાંધી પર છોડ્યો છે. આ સાથે શંકરસિંહે કોઈપણ પ્રકારની શરત વગર કોંગ્રેસમાં જોડાવવાની તૈયારી બતાવી છે. પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ પણ પોતાને આવકારવા માટે તૈયાર હોવાનો શંકરસિંહે દાવો કર્યો છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે શંકરસિંહ વાઘેલાએ બેઠક કરી હોવાની હાલ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ત્યારે શંકરસિંહે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના અનેક આગેવાનો મને આવકારવા તૈયાર. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આમંત્રણ આપશે તો દિલ્લી જઈશ. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારી કોઈ શરત નથી.

જો કે, કોંગ્રેસ તરફથી આવી કોઈ જ પ્રપોઝલ ન આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસમાં ફરી જોડાવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. તેમણે ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપને હરાવવા શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાં જોડાવાની ભરતસિંહ સમક્ષ લાગણી વ્યકત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

(3:59 pm IST)