Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમુક બેઠકો માટેના નામ છેલ્લી ઘડીએ જાહેર કરાશે !

સિનીયરોની ટીકીટ કપાશે જ : ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય : દરેક વોર્ડમાં ચાર-ચાર ઉમેદવારો, ચાર ડમી, દરખાસ્ત કરનાર, ચૂંટણી એજન્ટ અને ટેકો આપનાર ૧૦-૧૦ કાર્યકરોની ટીમ તૈયાર કરવાની સંગઠન દ્વારા કામગીરી શરૂ

રાજકોટઃ તા.૪, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ છ મહાનગરપાલિકા માટે ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ૫૭૪ ઉમેદવારો માટે દાવેદારો, કોર્પોરેટરોના લેખાંજોખાંની પ્રાથમિક ચર્ચા માટે પાછલા ત્રણ દિવસથી ચાલી રહેલી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂરી થઈ છે. હવે બોર્ડના સભ્યો બેસીને જુદા જુદા મહાનગરોમાંથી આવેલા પેનલોના લિસ્ટમાંથી આખરી યાદી તૈયાર કરશે.  આજે મોડી સાંજ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર થઇ જશે.

 વિધાનસભાની ૨૦૨૨માં આવનારી સામાન્ય ચૂંટણી પૂર્વે આ લગભગ આખા રાજયના શહેરીથી લઈને ગ્રામ્ય વિસ્તારોને આવરી લેતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં બે તબક્કામાં યોજાનાર છે. આ ચૂંટણીના પહેલા ચરણમાં છ મહાનગરો માટે ર૧મીએ મતદાન થશે. એના માટે ૬ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરવાના છે. ભાજપે સ્થાનિક ચૂંટણી માટે ત્રણ્ ટર્મ પૂરી કરનાર ૬૦ વર્ર્ષથી વધુ ઉમર અને કોઇપણ નેતા, આગેવાનના સગાને ટિકિટ નહીં આપવાનો કઠોર નિર્ણય જાહેર કર્યો છે. એમાં અપવાદ માટે કેટલાક સ્તરેથી દરમિયાનગીરી થઇ હતી. પરંતુ પાર્લામેન્ટરી બોર્ડમાં આ વાતને ફગાવી દેવામાં આવી હતી. સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયાએ દરેક મહાનગર માટે પ્રક્રિયા હાથ ધરાય ત્યારે જ આ ત્રણ બાબતોની વિધિવત જાહેરાત કરી દેતાં હોવાથી કોઈપણ ધારાસભ્ય, સાંસદ કે પ્રમુખ મહામંત્રી પોતાની યાદીમાંથી આવા નામોને રજૂ કરવામાં સફળ રહ્યા ન હતા. 

ભાજપે જાહેર કરેલા નિર્ણયથી છ મહાનગરોથી માંડીને પાલિકા અને પંચાયતમાં પણ ભારે ડખો થયો છે. જોકે, પાલિકા અને પંચાયતો માટે હવે પછી પાર્લામેન્ટરી બેઠક મળવાની હોવાથી ત્યાં ઉમેદવારોના બાયોડેટા બદલવાની તક મળી ગઇ છે.

દરમિયાન, આજથી અમદાવાદ સહિત છ મહાનગરોમાં જ્યાં મોટાભાગે વિવાદ નથી, ધારાસભ્યો, સાંસદો અને શહેર પ્રમુખની યાદીઓ સાથે પેનલોની સુસંગ્રતા હશે એવા તમામ નામો જાહેર કરી દેવાની શરૂઆત થશે. જ્યાં કોંગ્રેસ સહિતના રાજકીય સમીકરણોને ધ્યાને લેવાના છે એવી બેઠકો માટે ગણતરીપૂર્વક ઉમેદવારો છેલ્લી ઘડીએ જાહેર કરી શકે છે.

હાલ દરેક વોર્ડમાં ચાર ચાર ઉમેદવારે માટે ચાર ચાર ડમી, દરખાસ્ત કરનાર, ચૂંટણી એજન્ટ તેમજ ટેકો આપનાર દ્સ દસ કાર્યકરોની ટીમો તૈયાર કરવાની કામગીરી શહેર સંગઠનો દ્વારા શરૂ કરી દેવામાં આવીછે. સંભવિત ડમી ઉમેદવારોને ફોર્મ સાથે રજૂ કરવા પડનારા દસ્તાવેજો તૈયાર રાખવા સુચના આપી દેવામાં આવી છે. બીજી તરફ કેટલાક સંભવિતોને ગઇ રાતથી આવી સૂચનાઓ મળવાની શરૂ થઈ શકે છેે.

(3:58 pm IST)