Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

મોટાભાગના યુવા ઉમેદવારો, નેતાઓના સગાસંબધીઓને પણ ટીકીટ નહિ

સાંજ સુધીમાં તમામ ઉમેદવારોના નામોની ઘોષણાઃ રાજકોટની યાદી જાહેર સી.આર.પાટીલ : સિનીયર આગેવાનોએ પોતાની સીટ ખાલી કરતા આભાર માન્યોઃ સિનીયરોની પણ સેવા લેવાશેઃ સંભવતઃ તમામને પક્ષપ્રમુખ રૂબરૂ મળશે

ગાંધીનગરઃ આગામી ૨૧ અને ૨૮મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત કરતાં પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે બપોરે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, ભાજપે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૫૭૬ બેઠકો માટે શિસ્તબદ્ઘ રીતે ઉમેદવારી અંગે ચર્ચા કરવામાં આવી છે. આજ સાંજ સુધીમાં તબક્કાવાર મહાનગર પાલિકાના ઉમેદવારોનું લિસ્ટ જાહર થશે. કાલે ૧૨.૩૦ વિજય મૂહુર્તમાં ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરશે.

 તેમણે જણાવ્યું હતું કે, ૫૦ ટકા મહિલા અને ૫૦ ટકા પુરુષ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. સંગઠનમાં જવાબદાર આગેવાનોને રાજીનામું આપ્યા બાદ ટીકીટ આપવામાં આવશે અને સંગઠનમાં એ જગ્યા તાત્કાલિક ભરવામાં આવશે. ભાજપની યાદીમાં ૬૦ વર્ષથી નીચેની ઉંમરના ઉમેદવારો હશે. ભાજપની યાદીમાં મોટા ભાગના યુવા ઉમેદવારો હશે. એક પણ માજી મેયરને ટિકિટ આપવામાં આવશે નહીં.

 સી.આર.પાટીલે સિનિયર આગેવાનોને પોતાની સીટ ખાલી કરવા માટે આભાર માન્યો હતો. તેમજ તેમણે તેમની લાયકાત પ્રમાણે પાર્ટીના કામમાં જોડવાની પણ વાત કરી હતી. આજે સૌપ્રથમ જામનગર કોર્પોરેશનના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. તેમણે અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે, ત્રણ ટર્મથી ચૂંટાયેલા નેતાઓને ટિકિટ નહીં જ અપાઈ હોવાનું સ્પષ્ટ કર્યું છે. આ ઉપરાંત ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થઈ ગઈ છે, તેમને ટિકિટ નહીં અપાઈ હોવાનું અને નેતાઓના સગા-સંબંધીઓને પણ ટિકિટ નહીં અપાઈ હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

(3:57 pm IST)