Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

પુરૂષોમાં મોઢાના તથા સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરના દર્દીઓનો આંકડો વધતો જાય છે

આ વખતે વિશ્વ કેન્સર દિવસની થીમ 'હું છું અને રહીશ ' રહેલ : અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં જ દર વર્ષે ૩૦ હજાર નવા કેન્સરના દર્દીઓ નોંધાયા છે : મોટા ભાગે દર્દી ત્રીજા -ચોથા સ્ટેજમાં નિદાન માટે આવે છે

અમદાવાદ,તા. ૪: પુરૂષોમાં મોઢાનું અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે લગભગ ૩૦ હજાર નવા દર્દીઓ આવે છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશમાં મોટાભાગે ત્રીજા અને ચોથા સ્ટેજમાં પહોંચી ગયા બાદ નિદાન થતા ઇલાજ મુશ્કેલ થાય છે. આ વર્ષની વિશ્વ કેન્સર દિવસની થીમ 'હું છુ અને રહીશ છે'

આધુનીક વિજ્ઞાનની મદદથી કેન્સર ઉપચારની નવી દવાઓ અને ટેકનીકથી ઉપચાર ખૂબ જ સરળ થયો છે. દેશની ટોપ પાંચ હોસ્પિટલોમાં સામેલ અમદાવાદની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ મુજબ વર્ષ ૨૦૧૯માં આ બન્ને કેન્સરના ૨૯,૪૯૯ નવા દર્દીઓ આવેલ. જેમાં પુરૂષોના મોઢાનું કેન્સર ૨૨.૧૬ ટકા  હતું. ૯૦ ટકા એવા હતા જે તમાકુ ખાતા પુરૂષોમાં જીભમાં ૧૧ ટકા, ફેફસા સંબંધીત ૧૦ ટકા કેસો હતા.

મહિલાઓમાં સૌથી વધુ ૨૧.૯૬ ટકા બ્રેસ્ટ કેન્સરની પુષ્ટી થયેલ. ગર્ભાશયના ૧૫.૨૫ મોઢાના ૭.૩૫ અને અંડાશય સંબંધીત ૪.૯૬ ટકા મહિલા દર્દીઓ નોંધાયેલ. જો કે કોરોનાના કારણે ૨૦૨૦ના જાન્યુઆરીથી ડીસેમ્બર વચ્ચે ૧૬.૮૪૪ નવા દર્દીઓ જીસીઆરઆઇ ખાતે નોંધાયેલ. જેમાં સંક્રમણના ડરથી કેન્સરની તપાસ માટે દર્દી ન આવ્યા હોવાનું ડોકટરોનું માનવું છે. જીસીઆરઆઇના આર્થોપેડીક અંોકોસર્જન ડો.અભીજીતના જણાવ્યા મુજબ ક્રાયો સર્જરીના મહત્વપૂર્ણ પરિણામ મળી આવ્યા છે. કેન્સરગ્રસ્ત હાડકાને અલગ કરી તેને કેન્સર મુકત કરવા માઇનસ ૧૮૦ ડીગ્રી લીકવીડ નાઇડ્રોજનથી સાફ કરી પુનઃ સ્થાપીત કરાય છે. આ ટેકનીકથી ૪૦ ઓપરેશન કરાઇ ચૂકયા છે. જ્યારે ડાયરેકટર ડો.શશાંક પંડ્યાએ જણાવેલ કે કેન્સર ઉપચારમાં રેડીયોથેરાપી કિમોથેરાપી અને ઓપરેશન મુખ્ય છે. હવે સાયબરનાઇફ મશીનથી રેડીયોથેરાપી કારગર છે. દેશમાં આ પ્રકારનું મશીન કોઇ સરકારી હોસ્પિટલમાં પહેલી વાર આવ્યું છે, જેથી દર્દીને લાભ મળી રહ્યો છે.

(3:19 pm IST)