Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજયસભાની બે બેઠકોની ચૂંટણી ૧ માર્ચે યોજાશે

અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધન બાદ ખાલી પડેલી : બંને બેઠકો માટે ૧૧ ફેબ્રુઆરીએ જાહેરનામું રજૂ થશેઃ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૮ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવીઃ એક બેઠક ભાજપ સૌરાષ્ટ્રના ઉમેદવારને આપે તેવી શકયતા

નવી દિલ્હી, તા.૪: ગુજરાતમાં રાજયસભાની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. બીજેપી (BJP)ના રાજયસભા સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના રાજયસભા સાંસદ અહેમદ પટેલના નિધન બાદ ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી માટે ૧ માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

રાજયસભાની આ બંને બેઠકો માટે ૧૧ ફેબ્રુઆરીએ જાહેરનામું રજૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૮ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે ૯થી ૪ વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.

નોંધનીય છે કે, કોંગ્રેસના સાંસદ અહમદ પટેલનું કોરોના સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન દિલ્હીમાં ૨૫ નવેમ્બર ૨૦૨૦ના રોજ નિધન થયું હતું. જયારે અભય ભારદ્વાજનું કોરોનાની સારવાર દરમિયાન ચેન્નઈમાં ૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ નિધન થયું હતું.

કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI)એ ગુજરાતના ચીફ સેક્રેટરીને સૂચના આપી છે કે રાજયસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે સિનીયર અધિકારીને નિમણૂક કરવામાં આવે. કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરીને આ ચૂંટણી યોજવામાં આવે તેની તમામ જવાબદારી આ સીનિયર અધિકારીની રહેશે. આ ઉપરાંત ચૂંટણી પંચે ગુજરાતના ચીફ ઇલેકટોરલ ઓફિસરની આ ચૂંટણી માટે ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યા બળને જોતાં બંને બેઠક પર ભાજપ જીત મેળવી શકે છે. જયારે કોંગ્રેસને એક બેઠકનું નુકસાન થઈ શકે છે. અહેમદ પટેલ કોંગ્રેસમાંથી અને અભય ભારદ્વાજ ભાજપમાંથી રાજયસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ બંનેના નિધનથી ફરી ચૂંટણી યોજાશે.

(3:28 pm IST)