Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ધોળકા : 25 લાખની લાંચકાંડમાં મામલતદાર સહીત બે ની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

કોર્ટે નોંધ્યું -તપાસમાં અસર થાય તેમ છે. તેથી જામીન ન આપી શકાય

ધોળકામાં મામલતદાર અને ખાનગી વ્યક્તિને 25 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી લીધા બન્ને આરોપીઓને જેલ હવાલે કરાયા હતા . જ્યાંથી બન્નેએ જામીન મેળવવા કરેલી અરજી સ્પે. એસીબી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતુ કે, આ ગંભીર પ્રકારનો ગુનો છે, તેની તપાસ ચાલી રહી છે, આરોપીઓને જામીન આપવામાં આવે તો તપાસમાં અસર થાય તેમ છે. તેથી જામીન ન આપી શકાય.

   25 લાખની લાંચ લેતા ઝડપાયેલાઓમાં મામલતદાર હાર્દિકભાઇ મોતીભાઈ ડામોર તથા જગદીશભાઈ જેઠાભાઈ પરમાર (ખાનગી વ્યક્તિ)ને એસીબીએ ઝડપી જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી બન્નેએ નિર્દોષ હોવા સહિતના મુદ્દા ઉભા કરી રેગ્યુલર જામીન અરજી કરી હતી. જો કે મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આરોપીઓએ 25 લાખની લાંચ લીધી છે તેથી તેમાં અન્ય ઉપરી અધિકારીની સંડોવણી હોવાની શક્યતા અંગે તપાસ જારી છે. આરોપીએ લાંચ માગી હતી તે અંગેની વાતચીતનું રેકોર્ડિંગ છે

આરોપી પાસેથી નોટો, હેન્ડવોશ, ફિલ્ટર પેપર તથા ફોન મળી આવ્યા છે જે સાબીત કરે છે કે આરોપીઓએ લાંચ લીધી હતી. બન્ને આરોપીઓ દોષનો ટોપલો એક બીજા પર ઢોળી રહ્યાં છે. તેથી આરોપીઓના એલવીએ(લેયર વોઇસ એનાલીસીસ) ટેસ્ટ ગાંધીનગર ખાતે કરાવાની પ્રક્રિયા ચાલુ છે. આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂર છે. આરોપી વગદાર છે અને જામીન આપવામાં આવે તો તપાસ પર અસર પડે તેમ છે તેથી જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીઓના જામીન ફગાવી દેવાનો હુકમ કર્યો હતો

(12:59 am IST)