Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સંપન્ન :ઉમેદવારોની નક્કી કરવા ત્રણ દિવસ મનોમંથન : કાલે યાદી થશે જાહેર

મોડીરાત સુધી મુખ્યમંત્રી રૂપાણી ,પ્રદેશ પ્રમુખ સહિતના હોદેદારોની બેઠક : છ મહાનગરોના કુલ 572 બેઠકો પૈકી મહત્તમ બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર થશે

અમદાવાદ : રાજ્યની છ મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર તથા ભાવનગરની આગામી તા. 21મી ફ્રેબુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.6ઠ્ઠી ફ્રેબુઆરી છે. આ ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોની પસંદગી કરવા માટે છેલ્લાં ત્રણ દિવસથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની ચાલતી બેઠક સંપન્ન થઇ છે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના હોદ્દેદારોની બેઠક ચાલુ થવા પામી હતી. મોડીરાત સુધી ચાલુ રહેવા પામી હતી. જેમાં જ્ઞાતિ, સ્થાનિક સમીકરણો સહિત કટોકટીવાળી બેઠકો ઉપરાંત અન્ય મહત્વની બેઠકો પરની ચર્ચાનો દોર ચાલુ રહેવા પામ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કુલ 572 બેઠકો પૈકી મહત્તમ બેઠકોના ઉમેદવારોની યાદી આવતીકાલે જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે

ગુજરાતની છ મહાનગરપાલિકાઓની 576 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની 1લી ફ્રેબુઆરીથી બેઠક શરૂ થઇ હતી. આ બેઠકના પ્રથમ દિવસે સુરત, વડોદરા તથા ભાવનગરના ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા થઇ હતી. જયારે બીજા દિવસે મંગળવારે જામનગર, રાજકોટ તથા અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની ચર્ચા થઇ હતી. અમદાવાદ મહાનગરપાલિકાની બેઠકોની આજે પણ ચર્ચાનો દોર જારી રહ્યો હતો. આ દરમિયાન શહેર પ્રમુખોને પણ બોલાવવામાં આવીને તેમના મત પણ જાણવામાં આવ્યા હતા. લગભગ મોડીસાંજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સંપન્ન થવા પામી હતી

ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી તેમ જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાતી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા, પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ ( કાકા ), કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, ભૂપેન્દ્રસીંહ ચુડાસમા, સાંસદો જશવંતસિંહ ભાભોર, રાજેશ ચુડાસમા, ડો. કિરીટ સોંલકી, કાનાજી ઠાકોર અને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ જયોતિબેન પંડયા હાજર રહે છે. આ બેઠકમાં 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામે પર મ્હોર મારવામાં આવશે

આ બેઠક સંપન્ન થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના આગેવાનોની બેઠકોનો દોર શરૂ થયો હતો. આ બેઠક મોડીરાત સુધી ચાલુ રહેવાની શક્યતા છે. જેમાં કટોકટીવાળી તેમ જ મહત્વની બેઠક ઉપરાંત ગ્યાતિના સમીકરણોને ધ્યાનમાં લઇને ચર્ચા કરાઇ હતી. આ ચર્ચા વિચારણાંના અંતે ઉમેદવારોની યાદી તબક્કાવાર જાહેર કરવામાં આવે તેવી ભીતિ સેવાઇ રહી છે. તેમાંથી મહત્તમ ઉમેદવારોની યાદી આવતીકાલે ગુરુવારે જાહેર કરી દેવાય તેવી શક્યતાઓ છે. G

મહાનગરપાલિકાના ઉમેદવારો જાહેર થયા બાદ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી હાથ ધરાશે. આ ઉમેદવારોની પસંદગીની કામગીરી 6ઠ્ઠી તારીખથી શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યાં છે.

(12:14 am IST)