Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

આજે “વિશ્વ કેન્સર દિવસ” :કેન્સરની સમયસર નિદાન કરાવી તેની સારવાર કરાવવી જોઇએ :GCRIના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા

સમયસર, વહેલા નિદાન અનેસારવાર દ્વારા કેન્સર પર વિજય મેળવી શકાય

અમદાવાદ : સમગ્ર વિશ્વમાં 4 ફેબ્રુઆરીને “વિશ્વ કેન્સર દિવસ” તરીકે ઉજવીને લોકોમાં કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેન્સરનું પ્રમાણ કઇ રીતે ઘટાડી શકાય, દર્દી કેન્સર સામે મકક્મતાથી લડત આપી શકે તે માટે દર વર્ષે કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2021માં “વર્લ્ડ કેન્સર ડે”ની ઉજવણીની થીમ “આઇ એમ, આઇ વીલ” એટલે કે ‘‘ હું કેન્સર સામે લડી શકવા સક્ષમ છું, હું કેન્સર સામે લડત આપી તેને મ્હાત આપીશ.’’ “વર્લ્ડ કેન્સર ડે”ની ઉજવણી દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

    અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI)ના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા કહે છે કે જ્યારે 4 ફેબ્રુઆરીનો દિવસ “વિશ્વ કેન્સર દિવસ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે તમામ કેન્સરગ્રસ્ત દર્દીઓએ જુસ્સા સાથે કેન્સર સામે મક્કમપણે લડત આપીને કેન્સરને મહાત આપવાની છે. “કેન્સર એટલે કેન્સલ” એ ગેરમાન્યતાઓથી દૂર થઇને કેન્સરની સમયસર નિદાન કરાવીને તેની સારવાર કરાવવી જોઇએ. “કેન્સર” શબ્દ કાને ગૂંજે ત્યારે ઘણાંય દર્દીઓ, પરિવારજનો પડી ભાંગે છે, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી તેનો સામનો કરવાનો છે. મોટાભાગના દર્દીઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં પહોંચે ત્યારે જ સારવાર માટે હોસ્પીટલનો સપર્ક સાધતા હોય છે. પરંતુ સમયસર, વહેલા નિદાન અને સારવાર દ્વારા કેન્સર પર વિજય મેળવી શકાય છે. સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 30 હજારથી વધુ દર્દીઓ કેન્સરની સારવાર મેળવે છે. જેમાં 25થી 30 ટકા રાજ્ય બહારના દર્દીઓનો પણ સમાવેશ થાય છે

કેન્સર અટકાવવા માટેના પગલા ખાસ જરૂરી છે. કેન્સરના વહેલા નિદાન માટેના પ્રયત્નો, મેડિકલ જગતમાં કેન્સરના નિદાન માટે ઉપલબ્ધ વિવિધ ટેસ્ટ કરાવીને સારવાર દ્વારા આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે

કેન્સરગ્રસ્ત દર્દીઓના પરિવારજનો, મિત્રો તરફથી સહયોગ-હૂંફ મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઇએ. કેન્સર ચેપી રોગ નથી માટે તેનાથી ગભરાવવાની જરૂર નથી.

કેન્સર હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની શ્રેષ્ઠ સારવાર માટે સાયબર નાઇફ, ટોમોથેરાપી અને લિનિયર એક્સીલેટર જેવા તમામ પ્રકારના અત્યાધુનિક ઉપકરણો ઉપલબ્ધ છે. કેન્સરની સારવાર માટે અત્યંત ઉપયોગી એવા ડિજીટીલ મેમોગ્રાફી, ડીજીટલ એક્સ-રે, પેટ સિટી જેવા અત્યાધુનિક મશીનથી રોગનું વહેલી તકે નિદાન કરવામાં આવે છે

મેડિકલ ઓન્કોલોજી વિભાગ દ્વારા કિમોથેરાપી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનો થેરાપી, જેવી વિવિધ સારવાર આપવામાં આવે છે. રેડીયોલોજી વિભાગ દ્વારા વિવિધ મશીનરીના ઉપયોગથી રેડીએશન થેરાપી દ્વારા શેકની સારવાર અપાય છે.

સર્જરી વિભાગ દ્વારા અત્યંત જટિલથી લઇ રેર કહી શકાય તે પ્રકારની સર્જરી હાથ ધરવામાં આવે છે.

સમાજ, રાજ્ય અને રાષ્ટ્રએ એકજૂથ થઇને કેન્સરની જાગૃતિ માટે આગળ આવી કેન્સરગ્રસ્ત દર્દીઓની સચોટ સારવાર થઇ શકે તે માટેના સહિયારા પ્રયાસ કરવાના છે ત્યારે જ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક બનશે

(10:03 pm IST)