Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

એક વિદ્યાર્થીનો બીજા વિદ્યાર્થી ઉપર ચપ્પા વડે ગંભીર હુમલો

અમદાવાદ ઇન્સ્ટી.ટેકનોલોજી કોલેજનો બનાવઃ બનાવમાં એક વિદ્યાર્થીને ગળામાં ઇજા થઇઃ બે ટાંકા લેવા પડયા : ભારે વિવાદ બાદ બંને પક્ષો વચ્ચે આખરે સમાધાન

અમદાવાદ,તા.૪: અમદાવાદની એક કોલેજમાં આજે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને શિક્ષણજગતમાં આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. હુમલો કરનાર અને હુમલાનો ભોગ બનનાર બંને વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક્સ શાખામાં અભ્યાસ કરે છે. હુમલાનો ભોગ બનેલા વિદ્યાર્થીને ગળાના ભાગે ઇજા થતાં તેને બે ટાંકા લેવા પડયા હતા. બનાવને પગલે સોલા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જો કે, ભારે વિવાદ બાદ પાછળથી બંને પક્ષે વાલીઓ અને કોલેજ સત્તાવાળાઓની દરમ્યાનગીરીથી સમાધાન થતાં મામલો થાળે પડયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનાં ગોતા વિસ્તા૨માં આવેલી અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ કેમ્પસમાં આજે કોઇક કારણસર અચાકન એક વિદ્યાર્થીએ તેની જ કોલેજમાં અભ્યાસ કરતાં અન્ય વિદ્યાર્થી પર ચપ્પાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બીજા વિદ્યાર્થીના ગળા પર સીધો હુમલો થતાં તેને ગળાના ભાગે ઈજા પહોંચી હતી. હુમલા બાદ વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીના ગળાના ભાગે બે ટાંકા પણ લેવા પડ્યા હતા. આ ઘટના બાદ કોલેજ તરફથી પોલીસને કોઇ જ અધિકૃત જાણ કરવામાં આવી ન હતી પરંતુ પોલીસને સમગ્ર ઘટનાની જાણ થઇ જતાં સોલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. કોલેજના પ્રિન્સીપાલના મતે, જે વિદ્યાર્થીએ હુમલો કર્યો તે ડિપ્રેશનનો શિકાર હોય તેમ લાગે છે. જો કે, બંને પક્ષે વાલીઓને અને વિદ્યાર્થીઓને સાંભળ્યા બાદ ભારે સમજાવટ અને મનામણાં બાદ સમાધાન કરાવડાવાયું હતું.

(9:41 pm IST)