Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આશાબહેનને પરત લાવવા કોંગ્રેસ વતી ઓફરોની વર્ષા

લોકસભા ચૂંટણી માટે ટિકિટની ઓફર કરાઇઃ આશાબહેનને સ્થાનિક રાજકારણમાં નડતા અંતરાયો દૂર થયા : આશાબેનના કોંગ્રેસમાં પરત ફરવાને લઇ સસ્પેન્સ

અમદાવાદ,તા.૪: કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલના અચાનક રાજીનામાને લઇ તેના ઘેરા પ્રત્યાઘાત અને પડઘા છેક દિલ્હી હાઇકમાન્ડ સુધી પડ્યા છે. કોંગી હાઇકમાન્ડ તરફથી પણ પ્રદેશ કોંગ્રેસેના નેતાઓને ડેમેજ કંટ્રોલની સ્પષ્ટ સૂચના અપાતાં સ્થાનિક કોંગી નેતાઓ આશાબહેન પટેલની ઘરવાપસી માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે, જેમાં આશાબહેન સમક્ષ કોંગ્રેસ તરફથી ઓફરોના પિટારા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વનું કોંગ્રેસ તરફથી આશાબહેનને આગામી લોકસભા ચૂંટણી માટે ટિકિટની ઓફર કરાઇ છે. સાથે સાથે, આશાબહેનની નારાજગી દૂર કરવા સ્થાનિક રાજકારણમાં તેમને નડતા અને કેટલાક અંતરાય પણ દૂર કરી દેવામાં આવ્યા છે. જો કે, તેમછતાં આશા પટેલના કોંગ્રેસમાં હજુ પરત ફરવાને લઇ સસ્પેન્સ યથાવત્ છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ આશાબહેનના ઘરવાપસી માટેના પ્રયાસો શરૂ કર્યા છે. જોકે કોંગ્રેસમાં પાછાં ફરવા અંગે આશાબહેન હજુ અવઢવમાં છે. ઉત્તર ગુજરાતના રાજકારણમાં સારું એવું વર્ચસ્વ ધરાવતા ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલ પણ ભાજપમાં પ્રવેશીને મહેસાણાથી લોકસભાનો ચૂંટણી જંગ લડે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. આશાબહેન પટેલના સંભવિત ભાજપ પ્રવેશથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં પણ ભારે રાજકીય ફટકો પડી શકે તેમ હોઈ તેમને કોંગ્રેસમાં પરત ફરવા માટે પ્રદેશ તેમના કેટલાક નેતાઓએ પ્રયાસ આરંભ્યા છે. આ અંગે આશાબહેનનો સંપર્ક કરતાં તેઓ કહે છે કે કોંગ્રેસમાં પરત ફરવા માટે મેં હજુ સમય માગ્યો છે. દરમ્યાન કોંગ્રેસના કેટલાક સૂત્રોના મતે, આશાબહેન હવે કોંગ્રેસમાં પાછાં ફરે તેવી શક્યતા નહિવત છે. કેમ કે ભાજપ હાઈકમાન્ડે તેમને મહેસાણાથી લોકસભાની ચૂંટણી લડાવવાનું પાકેપાયે નક્કી કર્યું છે, તેથી કોંગ્રેસ માટે આશાબહેનનો પક્ષત્યાગ પક્ષ માટે મોટો ફટકાસમાન છે. જો કે, હાલ તો, આશાબહેન પટેલને લઇ ભાજપ અને કોંગ્રેસની છાવણી જબરદસ્ત રીતે સક્રિય છે, આગામી દિવસોમાં કોણ સફળ થાય છે તે સામે આવી જશે.

(9:52 pm IST)