Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

માવઠા-વાતાવરણમાં પલટાને લઇ કેરી પાકને નુકસાનનો ભય

ગીર, સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો ઘેરી ચિંતામાં: ગુજરાતની ઠંડી-માવઠાની સ્થિતિએ નુકસાનની ચિંતા સર્જી જીરૂ, રાયડો, અજમા સહિતના પાકોને નુકસાનની ભીતિ

અમદાવાદ,તા.૪: ગુજરાતભરમાં હાલ છેલ્લા ૧૫ દિવસ દરમિયાન વાતાવરણમાં અનેક વાર પલટો આવ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સાથે ખેડૂતો ચિંતામાં પડ્યા છે. આ વર્ષે ગીર અને કચ્છમાં કેસર કેરીની મબલખ આવક થવાનાં એંધાણ જોવા મળ્યાં હતાં. પરંતુ તાજેતરના માવઠા અને રાજયભરમાં પડેલી કડકડતી અસહ્ય ઠંડીને લઇ કેરીના પાકને લઇ હવે નુકસાનની દહેશત ઉઠી છે. સરકાર પણ કેરીના પાકને કોઇ ગંભીર નુકસાન ના થાય તેની ચિંતામાં મૂકાઇ છે અને આ અંગે અધિકારીઓને પરિસ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી છે. ગીર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેસર કેરીના આંબા પર ભરચક મોર બેઠા હતા, પરંતુ ઉત્તર ભારતમાં થયેલી બરફ વર્ષા અને તેને કારણે ગુજરાતમાં પડેલી અસહ્ય ઠંડીએ કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને કચ્છમાં સાધારણ છાંટા પણ પડયા હતા. આ વાતાવરણ ખેતી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. વાદળછાયા વાતાવરણને લીધે જીરું, રાયડો, આંબો, વરિયાળી, અજમા સહિતના પાકોને નુકસાન થઇ શકે છે. ઠંડા પવનો સાથે બદલાયેલા વાતાવરણને લીધે શિયાળુ પાકને નુકસાન પહોંચી શકે છે. ખેતી નિષ્ણાતોના મતે, રાજયમાં ઠંડી હવામાં ભેજ સહિતના વારંવાર પલટાતા વાતાવરણના કારણે આંબાના ઝાડ પર કેરીના ફૂલોમાં હોપર મેંગો નામની જીવાત વધી શકે છે. કેરીનાં ફૂલ પણ ખરી શકે છે. ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને કેરી રસિકોમાં કેસર કેરીની પસંદગી પહેલાં થાય છે. ગીર વિસ્તારને કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે. મોટા પ્રમાણમાં ખેડૂતો અહીં કેસર કેરીની બાગાયતી ખેતી કરે છે. આ વર્ષે પણ વાતાવરણની વિપરીત અસરને પગલે કેસરનો પાક ઘટવાની શક્યતા છે. ગીર અને સૌરાષ્ટ્ર પંથકમાં કેસર કેરીના પાકનું કુલ ૩૭૫૧૭ હેકટર વાવેતર છે. સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું ૩ લાખ ૩૪ હજાર ૯૮૪ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. આ વાતાવરણને કારણે આ વર્ષે કેસર કેરીના પાકમાં ૨૦ ટકાનો ઘટાડો આવવાની સંભાવના છે. કેરીના પાકને નુકસાનની દહેશતને લઇ હાલ તો કેરી પકવતાખેડૂતો ચિંતામાં ગરકાવ બન્યા છે.

 

(9:37 pm IST)