Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

બે દિવસોમાં બે હજારથી વધુ મિલકત સીલ કરાતાં ફફડાટ

ડિફોલ્ટર્સ સામે કઠોર કાર્યવાહી હાથ ધરવામાં આવી : કોર્પોરેશનના ચોપડે ૫૦ હજારથી વધુનો ટેક્સ બાકી હોય તેવા ડિફોલ્ટર્સ સામે અમદાવાદ કોર્પોરેશનની લાલઆંખ

અમદાવાદ,તા.૪ : મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્સ આવકમાં વધારો કરવા રૂ. ૫૦,૦૦૦થી વધુનો ટેક્સ તંત્રના ચોપડે બાકી બોલતો હોય તેવા ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરાઈ છે. તંત્ર દ્વારા ગયા શુક્રવારથી શહેરભરમાં બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત હેઠળ સીલિંગ ઝુંબેશ હાથ ધરાઈ છે, જે હેઠળ શુક્રવાર અને શનિવાર એમ બે દિવસમાં ૨૦૦૦થી વધુ મિલકતને તાળાં મરાતાં ડિફોલ્ટર્સમાં ફફડાટ ફેલાયો છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ડિફોલ્ટર્સ પોતાની મિલકતને લાગેલાં તાળાં ખોલાવવા સવારથી દોડતા થઈ ગયા છે. ઓક્ટ્રોય આવક બંધ થયા બાદ મ્યુનિસિપલ તિજોરી માટે આવકનો એક માત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં પ્રોપર્ટી ટેક્સની આવકમાં રૂ. ૯૧૦ કરોડનો લક્ષ્યાંક રખાયો હતો, પરંતુ છેલ્લે ડિસેમ્બર-૨૦૧૮માં તંત્રે આ લક્ષ્યાંકમાં પીછેહઠ કરીને તેમાં રૂ. દસ કરોડનો ઘટાડો કરતાં હવે નવો લક્ષ્યાંક રૂ. ૯૦૦ કરોડનો રખાયો છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ માટે નવા લક્ષ્યાંકને મેળવવાના આડે માત્ર હવે બે મહિના બાકી રહ્યા છે. આગામી તા. ૩૧ માર્ચ પહેલાં આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવો પડશે, જ્યારે તંત્રની તિજોરીમાં ગત તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ સુધીમાં પ્રોપર્ટી ટેક્સની આવક પેટે રૂ. ૬૭૬.૦૪ કરોડ ઠલવાયા છે એટલે કે હજુ લક્ષ્યાંક માટે વધુ રૂ. ૨૨૪ કરોડ મેળવવાના બાકી હોઈ તંત્રે આકરી મહેનત કરવી પડશે. પ્રોપર્ટી ટેક્સ આવકમાં વૃદ્ધિ કરનારી ટેક્સ રિબેટ યોજના તો અત્યારે અધ્ધરતાલ છે. છેલ્લા બે દાયકાથી બાકી ટેક્સની રકમના વ્યાજમાં ચાલી, ઝૂંપડાંમાં ૧૦૦ ટકા અને રહેણાક-બિનરહેણાક મિલકતોમાં ૫૦ ટકા રાહત કરદાતાઓને અપાતી હતી, જેના કારણે તંત્રની તિજોરીમાં અંદાજે રૂ. ૧૦૦ કરોડની આવક થતી હતી, પરંતુ હવે તંત્રે રૂ. ૫૦,૦૦૦ની વધુ બાકી ટેક્સ રકમના મામલે ડિફોલ્ટર્સને કાયદાના સાણસામાં લેવાની શરૂઆત કરતાં ડિફોલ્ટર્સમાં ગભરાટ ફેલાયો છે. ગત તા. ૧ ફેબ્રુઆરીથી શહેરભરમાં સીલિંગ ઝુંબેશ હાથ ધરાઈ હોઈ તે દિવસે તંત્રે કુલ ૯૩૧ મિલકતને સીલ કરી હતી, જેમાં સૌથી વધુ ૩૪૯ મિલકત દક્ષિણ ઝોનની હતી. આ સીલિંગ ઝુંબેશથી તંત્રને રૂ. ૩.૭૯ કરોડની આવક થઈ હતી. જ્યારે તા. ૨ ફેબ્રુઆરી, ૨૦૧૮એ તંત્રે વધુ ઉગ્ર સપાટો બોલાવીને ડિફોલ્ટર્સની કુલ ૧૧૬૭ મિલકતને તાળાં મારીને કુલ રૂ. ૩.૮૯ કરોડની આવક મેળવી હતી. બીજા ખર્ચમાં છેલ્લા બે દિવસમાં સત્તાવાળાઓએ કુલ ૨૦૯૮ મિલકતને સીલ મારીને કુલ રૂ. ૭.૬૮ કરોડની આવક મેળવતાં સેંકડો ડિફોલ્ટર્સને કાતિલ ઠંડીમાં પરસેવો છૂટી વળ્યો છે. પશ્ચિમ ઝોનમાં તંત્રે ગત તા. ૧ ફેબ્રુઆરીએ ૨૩૨ મિલકતને તાળાં મારીને રૂ. ૩૦ લાખની આવક મેળવી હતી. તંત્રે નવરંગપુરામાં સંપદ કોમ્પ્લેક્સ, બેનિફિટ હાઉસ, નહેરુનગરમાં અભિશ્રી એવન્યૂ, આંબાવાડીમાં ધી ગ્રાંડ મોલ, શિવાલિક-૧૦ તેમજ પરિમલ વિસ્તારમાં વર્લ્ડ હાઉસ-વોલસ્ટ્રીટ-૧ અને ર, સ્વપ્નિલ કોમ્પ્લેક્સ, વોલસ્ટ્રીટ એનેક્સી વગેરે કોમર્શિયલ મિલકતોમાં ત્રાટકીને રૂ. ૫૦,૦૦૦થી વધુ બાકી ટેક્સના ડિફોલ્ટર્સની મિલકતને સીલ કરી હતી, જ્યારે ગત તા. ૨ ફેબ્રુઆરીએ પશ્ચિમ ઝોનમાં કુલ ૩૩૭ મિલકતને સીલ કરાતાં તંત્રને કુલ રૂ. ૩૫ લાખની આવક થઈ હતી. ગયા શનિવારે સત્તાવાળાઓ બાલાજી હાઈટ્સ, ઈસ્કોન આર્કેડ, હસુભાઈ ચેમ્બર્સ, રેડ રોઝ કોમ્પ્લેક્સ, સિગ્મા આર્કેડ, નક્ષત્ર કોમ્પ્લેક્સ વગેરેમાં ત્રાટક્યા હતા. સૂત્રોના મતે, તંત્ર હવે રૂ. દસલાખથી વધુ બાકી ટેક્સ રકમના ડિફોલ્ટર્સની મિલકતની હરાજી કરીને ટેક્સ આવક મળવાની દિશામાં આગામી દિવસોમાં આગળ વધશે. આ માટે નવી દશ મિલકતોની યાદીને અંતિમ રૂપ અપાઈ રહ્યું છે એટલે ટેક્સ આવકમાં વધારો કરીને નિર્ધારિત લક્ષ્યાંકને મેળવવા માટે સત્તાધીશો સીલિંગ ઝુંબેશની સાથે સાથે જે તે મિલકતની જાહેર હરાજીનો માર્ગ પણ સમાંતર રીતે અપનાવશે.

 

(8:43 pm IST)