Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

બેરોજગારોની નોંધણી કરશે સરકાર : એપ લોંચ થશે

ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ શકશે : સર્ટીફિકેટ પણ અપલોડ કરાવી શકાશે

અમદાવાદ તા. ૪ : જોબલેસ લોકો માટે રાહતના સમાચાર છે. સરકાર તેઓના નામની નોંધણી માટે એક એપ લોન્ચ કરવા જઇ રહી છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણી નજીક આવતા સાથે જ વિપક્ષે સરકારને બેરોજગારી મુદ્દે ઘેરવાનું શરૂ કર્યું છે, ત્યારે રાજય સરકાર બેરોજગાર યુવાનો માટે એક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી રહી છે. જેમાં યુવાનો પોતાને ઓનલાઈન રજીસ્ટર કરી શકશે. ઉપરાંત તેઓ પોતાના સર્ટિફિકેટ પણ અપલોડ કરી શકશે.

અહીં રસપ્રદ બાબત એ છે કે હાલમાં નોકરી કરતા હોય અને નોકરી બદલવા ઈચ્છતા યુવાનો માટે પણ  એપ્લિકેશનમાં અલગથી સેકશન છે. શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ જણાવ્યું કે, નિર્ણય વિશે સરકાર સાથે ચર્ચા કરવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા લીલી ઝંડી મળતા જ શકય તેટલી ઝડપી એપને લોન્ચ કરવામાં આવશે.

રાજયમાં બેરોજગારીનો મુદ્દો ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી વિરુદ્ઘ ઉછાળવામાં આવ્યો હતો, જે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ દરમિયાન સરકારે એવો દાવો કર્યો હતો કે રાજયમાં નવી ૨૧ લાખ નોકરીની તક વધશે. સપ્ટેમ્બર ૨૦૧૮માં વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ રાજયમાં ૫.૧૧ લાખ લોકો બેરોજગાર તરીકે રજીસ્ટર થયેલા હતા. ડેટા મુજબ રાજયમાં ૫,૧૧,૫૬૩ લોકો શિક્ષિત હતા જેમની પાસે નોકરી નહોતી. જેમાંથી સૌથી વધારે અમદાવાદમાં ૫૫,૦૬૦ યુવાનો, વડોદરામાં ૩૫,૨૧૩ યુવાનો, સુરત (૨૯,૭૨૧), મહેસાણા (૨૭,૩૦૬), ભાવનગર (૨૧,૮૪૨) અને ખેડામાં ૨૦,૩૫૫ યુવાનો છે.

સરકારે હવે બેરોજગાર યુવાનો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું નક્કી કર્યું છે અને આ માટે ૧૦૦ રૂપિયાની રજીસ્ટ્રેશન ફી હશે. વિપુલ મિત્રાએ જણાવ્યું કે, અનિયમિત કામ ધરાવતા અને નોકરી ચેન્જ કરવા ઈચ્છતા કર્મચારીઓ માટે ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. આ સેકશનમાં કર્મચારીઓએ તેમની છેલ્લી પગાર સ્લીપ અપલોડ કરવાની રહેશે. અરજીકર્તા એપ્લિકેશન દ્વારા સર્ટિફિકેટ સ્કેન કરેલી કોપી અપલોડ કરી શકશે અને નોકરી મળે ત્યારે તેમના ડોકયુમેન્ટ્સનું વેરિફિકેશન કરાશે. અરજકર્તા જયાં સુધી બેરોજગાર રહે ત્યાં સુધી દરવર્ષે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ પહેલા અરજી કર્તાને નોકરી મળ્યા છતા પણ તેમનું નામ બેરોજગાર યુવાઓના ડેટામાં રહેતું હતું. આથી હવે સાચો આંકડો સામે આવી શકશે. વિપુલ મિત્રાએ જણાવ્યું કે, જો એપ્લિકેશન સફળ રહેશે તો, તેને કાઉન્સેલિંગ સેન્ટર્સમાં કન્વર્ટ કરી શકાશે. જે બાદ વિદ્યાર્થીઓને નોકરી અથવા કઈ દિશામાં કોર્સ કરીને કરિયર બનાવી શકે તે મુદ્દે જરૂરી માર્ગદર્શન અને મદદ કરી શકાશે.(૨૧.૮)

(10:26 am IST)