Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

દૈનિક ૭૦ લાખ લિટર પાણી આપવા અમપા સમક્ષ માગ

ઊનાળા પહેલાં પાટનગરમાં પીવાના પાણીની સમસ્યા : ગુજરાતના પાટનગર ગાંધીનગરની માગ સ્વીકારવા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વીધાભરી સ્થિતિમાં

અમદાવાદ, તા. : રાજ્યના પાટનગર એવા ગાંધીનગર શહેરમાં પીવાનાં પાણીનાં પુરવઠાની થોડી ઘણી તંગી સર્જાતાં ગાંધીનગર મ્યુનિ. દ્વારા અમદાવાદ મ્યુનિ. પાસે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી દૈનિક ૭૦ લાખ લિટર (શુદ્ધ કરેલું) પાણીની માગણી કરવામાં આવી હોવાનું ગાંધીનગર મ્યુનિ.નાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે, ગાંધીનગરની માગણી સ્વીકારવા અંગે મ્યુનિ.માં અવઢવની લાગણી પ્રવર્તી રહી છે.

ગાંધીનગર મ્યુનિ.નાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં વર્ષોથી પીવાનાં પાણીની વ્યવસ્થા ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંભાળવામાં આવે છે. ગાંધીનગર મ્યુનિ. પાસે પાણી માટે કોઇ અલગ આયોજન કે તંત્ર નથી, પરંતુ હવે ગાંધીનગર મ્યુનિ.હદ વિસ્તારમાં નવા વિસ્તારોનો સમાવેશ થયો છે તથા ચારેકોર વિકાસ થઇ રહ્યો છે તેવા સંજોગોમાં નવા વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડવા માટે નર્મદા આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ તે પૂરો થતાં હજુ બે-ત્રણ વર્ષ લાગી જાય  તેમ છે.

સંજોગોમાં નવા વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા તેમજ ગાંધીનગર શહેરને પણ પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે તેવા હેતુથી ગાંધીનગર મ્યુનિ. દ્વારા પડોશી એવા અમદાવાદ મ્યુનિ.ની સક્ષમતા અને સધ્ધરતાને ધ્યાને લઇ જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી દરરોજ ૭૦ લાખ લિટર ટ્રીટેડ વોટર પૂરું પાડવા અનુરોધ કરતો પત્ર મ્યુનિ.કમિશનરને પાઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીનગર મ્યુનિ.માંથી પાણીની માગણી કરતા પત્ર અંગે તપાસ કરતાં મ્યુનિ. સૂત્રોએ આવો પત્ર આવ્યો હોવાનું સ્વીકારતાં જણાવ્યું હતું કે, હાલ અમદાવાદ મ્યુનિ.ની હદમાં બોપલ, ઘુમા, શીલજ, ભાડજ, કઠવાડા સહિત અનેક વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હજુ તો નવા રિંગરોડની અંદર તરફનાં વિસ્તારોમાં પાણીની સગવડ પૂરી પાડી શકાઇ નથી અને નવા વિસ્તારોમાં પણ પાણી પહોંચાડવાનું છે તે જોતાં ગાંધીનગરને ૭૦ એમએલડી પાણી કઇ રીતે પૂરું પાડી શકાય તે મોટો સવાલ છે. મ્યુનિ.સૂત્રોનાં જણાવ્યા અનુસાર, શહેરમાં હાલ દરરોજ ૧૩૦૦થી ૧૪૦૦ એમએલડી પાણી પૂરું પાડવામાં આવે છે, જે નવા વિસ્તારો અને બાકી રહેલાં વિસ્તારોમાં પહોંચતું નથી. બીજુ મહત્વનું છે કે, મ્યુનિ. આગામી ૨૦૩૦ સુધીમાં શહેરમાં કેટલો વિકાસ થશે અને કેટલી વસતી થશે તેના અંદાજ મૂકીને પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાને વધુ આધુનિક અને વિકસાવવાનું આયોજન કર્યું છે અને તેના ભાગરૂપે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા નવીનીકરણ અને વિસ્તરણનાં પ્રો જેક્ટ હાથ ધર્યાં છેગાંધીનગરને પાણી પૂરૂ પાડવા માટે દબાણ આવે તો જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નવી મોટી લાઇન ગાંધીનગર સુધી લઇ જવી પડશે. જેના માટે સૌપ્રથમ અડચણ તો નર્મદા કેનાલ બનશે. ત્યારબાદ ગાંધીનગર સુધી પાણીનો જંગી જથ્થો પહોંચાડવા માટે રોડ ઉપર કે અંડરગ્રાઉન્ડ વિશાળ પાઇપલાઇન નાંખવી પડશે. આમ, એકંદરે પ્રોજેક્ટ થોડા સમય માટે અમલમાં મુકવાનો થાય તો તેની પાછળનો જંગી ખર્ચ ભારણ વધારનારો પુરવાર થશે.

(9:14 pm IST)