Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

સુરતના વરાછામાં વેપારી યુવકની ઘાતકી હત્યા કરાઈ

હત્યારાઓને ફાંસી આપો : મૃતકનો ભાઈ : પરિવાર સહિત આસપાસના રહીશોનો પોલીસ મથકની બહાર હલ્લા બોલ, ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી

સુરત,તા. : સુરત શહેર જાણે ક્રાઈમ સીટી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે શહેરમાં છાશવારે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે વધુ એક હત્યાની ઘટના વરાછા વિસ્તારમાં બનવા પામી છે જેમાં કરિયાણાના વેપારીની ૫૦ રૂપિયા ફાટેલી નોટ અને છુટ્ટાની લેતીદેતીમાં હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. જોકે ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી છે પરંતુ વેપારીની હત્યાના પગલે પરિવારજનો રોષે ભરાઇને હત્યારાને ફાંસીની સજા આપવાની માંગ કરી છે અને જો ફાંસીની સજા નહીં મળે તો ભૂખ હડતાલ ઉપર ઉતરી જવાની ચીમકી ઉરચારી છે. સુરત શહેરમાં ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે શહેરમાં હત્યા જીવલેણ હુમલો લૂંટફાટની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે હત્યાની વધુ એક ઘટના બનવા પામી છે સુરતના વરાછા વિસ્તારમાં કે જ્યાં માત્ર ૫૦ રૂપિયાની ફાટેલી નોટ અને ફોટા રૂપિયાની લેતીદેતીમાં કરિયાણાના વેપારીને ઘાતકી હત્યા થતાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. ઘટના ની વિગતવાર વાત કરીએ તો વરાછા લંબે હનુમાન મંદિર ની સામે આવેલી પાટી ચાલ ખાતે નરસિંહ મંદિર પાસે રહેતો અમરદીપ હરિશ્ચંદ્ર ગુપ્તા પોતાના ઘર પાસે કરિયાણાની દુકાન ધરાવે છે રવિવારના રોજ ચાલમાં રહેતા જુબેર નામના યુવકે દુકાનમાં ઘૂસી ૫૦ રૂપિયાની નોટ ફાટેલી હોય અને ફોટા લેવા માટે વેપારી સાથે તકરાર કરી હતી જેથી તકરારમાં ઉશ્કેરાઈ જઈને જુબેરે વેપારીને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી તેની ઘાતકી હત્યા નીપજાવી હતી. જોકે બાદમાં હત્યારો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો અને વેપારીને બેભાન હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાં વરાછા પોલીસ મથકમાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરીને ગણતરીના કલાકોમાં હત્યારા જુબેરને ઝડપી પાડયો હતો. જોકે હત્યા બાદ પરિવારજનોમાં હત્યારા પ્રત્યે રોષ જોવા મળ્યો છે પરિવારજનોએ જણાવ્યું હતું કે હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અને જો તેઓને ન્યાય નહીં મળે તો મહોલ્લાના લોકો મળીને ભૂખ હડતાલ પર ઉતરી જવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

(7:54 pm IST)