Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

ભાજપનાં નેતા અલ્પેશ ઠાકોરે ૩ ભૂમાફિયાના નામ જાહેર કરતા ખળભળાટ

મને ભૂમાફિયા સાબિત કરો, સામેથી જેલમાં જતો રહીશ : અલ્પેશ ઠાકોર

અમદાવાદ,તા. ૪: ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ભૂમાફિયાનો ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો છે. અલ્પેશ ઠાકોરે ૩ ભૂમાફિયાના નામ જાહેર કર્યા છે. જેમાં ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલ, ગેલેકસી ગ્રુપના ઉદય ભટ્ટ, ભાવિક દેસાઇ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની ૨૫૦ કરોડની જમીન પચાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગેલેકસી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદનના મુઠીયા હંસપુરાના ખેડૂતની ૪૦૦ કરોડની જમીન પચાવી હોવાનો આક્ષેપ કરાયો છે જયારે ભાવિક દેસાઇ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની ૧૫૦ કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપ નેતા કલ્પેશ ઠાકોરે ૩ બિલ્ડરો સામે જમીન પચાવવાનો કર્યો આરોપ લગાવ્યો છે.

અલ્પેશ ઠાકોરે કહ્યુ કે અમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ખેડૂતોના ભોળપણ અને નીરક્ષરતાનો ફાયદો ઉઠાવી તેમની જમીન પચાવી પાડવામાં આવી છે. ખાતામાં આવેલુ સરકારી વળતર પણ ભૂમાફિયાઓએ પચાવી પાડ્યુ છે. બીજી તરફ અલ્પેશ ઠાકોર પર જમીન પચાવવાના આરોપમાં પડકાર ફેકયો હતો. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, મને ભૂમાફિયા સાબિત કરો, સામેથી જેલમાં જતો રહીશ.

આ પહેલા પણ રાજય સરકારના લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો અલ્પેશ ઠાકોરે સ્વાગત કર્યુ હતું. અલ્પેશ ઠાકોરે આ એકટ બાદ પ્રહાર કર્યા હતા કે અમદાવાદ-ગાંધીનગરમાં ગરીબ લોકોની જમીન પચાવી પાડવામાં આવી રહી છે. ભળતા નામ અને ડોકયુમેન્ટ ઉભા કરી જમીન પચાવી પાડવામાં આવે છે. મોટા બિલ્ડર, રાજકીય નેતા અને મોટા અધિકારીઓની સિન્ડીકેટ ચાલી રહી છે. અમદાવાદ પૂર્વ અને પશ્યિમની પટ્ટીમાં મોટા બિલ્ડરો પોતાને મોટા દાનવીર ગણાવે છે પરંતુ તેમણે ગરીબ ખેડૂતોને લૂંટ્યા છે.

(2:41 pm IST)