Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

પારંપરિક-હસ્તકલાને રજૂ કરતું પ્રદર્શન-એકઝીમ બાઝાર

કૌશલ્યવાનો-કસબીઓને પ્રોત્સાહન આપતી બેંકઃ વસ્ત્રાપુર વિસ્તારના અમદાવાદ હાટમાં ૪-૬ જાન્યુઆરી સુધી કલા-કારીગરીનું અનોખુ અને બેનમૂન પ્રદર્શન યોજાશે

અમદાવાદ,તા. ૪: ભારત દેશના વિવિધ રાજયો અને પ્રાંતોમાંથી કલા કારીગરો કે કસબીઓને સતત આજીવિકા અપાવવા તથા ભારતની પરંપરાગત કળા અને કારીગરીઓને પુનઃજીવિત કરવાનાં બેવડા ઉદ્દેશ સાથે એક્ષ્પોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા(એક્ઝિમ બેંક) દ્વારા શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં અમદાવાદ હાટ ખાતે તા.૪થી ૬ જાન્યુઆરી સુધી એક્ઝીમ બાઝાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કૌશલ્ય કારીગરો અને કસબીઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે તેમ જ ભારતભરમાંથી હસ્તનિર્મિત પરંપરા અને આધુનિક કળા, હસ્તકળાઓ અને ટેક્સટાઇલ્સનાં વિશિષ્ટ નમૂનાઓ, આકર્ષક ચીજવસ્તુઓને રજૂ કરતું અનોખું પ્રદર્શન આજે એક્ઝિમ બેંકનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડેવિડ રાસ્ક્વિન્હાએ ખુલ્લું મૂક્યું હતું. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ અનોખા હસ્તકલા અને પારંપરિક કલા,ચીજવસ્તુના પ્રદર્શનમાં ઉમટે તેવી શકયતા છે. આ અનોખા પ્રદર્શન એક્ઝિમ બાઝારમાં ૬૦થી વધારે સહભાગીઓ તેમની કળાઓનું પ્રદર્શન કરી રહ્યાં છે. એક્ઝિમ બેંકનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડેવિડ રાસ્ક્વિન્હાએ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં હાથથી વણેલી પશ્મિના, ક્રિસ્ટલ જ્વેલરી, મધુબની પેઇન્ટિંગ, પૈઠાણી સાડીઓ, બ્લોક પ્રિન્ટેડ ગાર્મેન્ટ અને હોમ ડિકોર, પંજાબી મોજડી, બિડરીવેર, ટેરાકોટા, વારલી, મીનાકારી, ચંદેરી અને આ પ્રકારની વિશિષ્ટ કળાઓની શ્રેષ્ઠ પરંપરાગત અને આધુનિક કારીગરીઓને એકમંચ હેઠળ લાવી છે, પ્રજાજનો તેનો મહત્તમ લાભ ઉઠાવે અને આ કલા કારીગરો અને કસબીઓને પ્રોત્સાહન આપે તે જ અમારો આશય છે. આ પ્લેટફોર્મ ભારતની પરંપરા કળાઓ અને હસ્તકળાઓ વિશે જાગૃતિ લાવવાની ઇચ્છા પૂર્ણ કરશે. ઉપરાંત આ પ્રદર્શન-કમ-વેચાણ કલાકારોને સાતત્યપૂર્ણ આધારે કળાની વિશિષ્ટ ચીજવસ્તુઓનું ઉત્પાદન હાથ ધરવા પ્રોત્સાહન અને પ્રેરણા આપવાનો પ્રયાસ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હસ્તનિર્મિત ઉત્પાદનોની માગ અને મૂલ્ય વધી રહ્યું છે તથા આ મોટા પાયે રહેલી સંભવિતતાને ઓળખીને એક્ઝિમ બેંકનો આશય આંતરરાષ્ટ્રીય મંચ પર આ પ્રકારની કારીગરીને પ્રદર્શિત કરવાનો છે. આ પ્રસંગે જનરલ મેનેજર શ્રી ઉત્પલ ગોખલેએ જણાવ્યું હતું કે, બેંક પોતાની માર્કેટિંગ સલાહકાર સેવાઓ મારફતે ભારતનાં ગ્રામીણ વિસ્તારોનાં ઉદ્યોગોની ચીજવસ્તુઓ અને સેવાઓને બજાર સુધી પહોંચાડવા સંપૂર્ણ ટેકો પ્રદાન કરે છે. બેંકે છેવાડાનાં ઘણાં કારીગરોને પ્રોત્સાહન આપ્યું છે અને લેટેસ્ટ ડિઝાઇનો/પેકેજિંગ ટેકનિકો પર તેમને તાલીમ પ્રદાન કરે છે, જે તેમને ઉપયોગી નવા ઉત્પાદનો રજૂ કરવામાં મદદ કરે છે અને સાથે સાથે કળાનું પરંપરાગત સ્વરૂપ પ્રદર્શિત કરે છે. નવા રંગો, ટેક્સટાઇલ અને સામગ્રીઓ આકર્ષક લાગે છે, જેની આંતરરાષ્ટ્રીય મંચ પર મોટા પાયે માગ છે. એનાથી ડિઝાઇનની દુનિયામાં નવી જગ્યા ખુલી છે, જેમાં ઉત્પાદનો ભારતનાં સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપવાની સાથે રોજિંદા પ્રવૃત્તિમાં ઉપયોગી પણ બની શકે છે. બાઝાર સહભાગીઓને હાજર જગ્યાએ વેચાણ કરવાની સાથે કોર્પોરેટ અને રિટેલ ગ્રાહકો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં મદદરૂપ પણ થશે.

(10:13 pm IST)