Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ફલાવર શોમાં લાઇવ કિચન ગાર્ડનનું આકર્ષણ ઉમેરાયુ છે

પ્રથમવખત ફલાવર શોમાં દસની એન્ટ્રી ફી : સી પ્લેન, બુલેટ ટ્રેન, ગાંધી, હરણ, જિરાફ, બટરફ્લાય, કળા કરેલા મોર જેવાં પચાસથી વધુ સ્કલ્પ્ચરનું આકર્ષણ

અમદાવાદ,તા.૪ : મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરનો સાતમો ફ્લાવર શો આગામી તા. ૧૬ જાન્યુઆરીથી તા. ૨૨ જાન્યુઆરી સુધી યોજાશે. વાઈબ્રન્ટ ગુજરાત માટે આવનારા દેશી-વિદેશી મહાનુભાવો ફલાવર શોનો પણ આનંદ માણી શકે તેવા આશયથી આ વખતે તેનું આયોજન વિલંબમાં મુકાયું હોઈ પ્રથમ વખત પુખ્તો માટે રૂ. દસની એન્ટ્રી ફી રખાઈ છે, જ્યારે બાળકો માટે પ્રવેશ મફત રહેશે. દરમિયાન ફ્લાવર શોમાં લાઈવ કિચન ગાર્ડનનું નવું આકર્ષણ નાગિરકો માટે ઉમેરાયું છે. અમ્યુકો તંત્રનો ફ્લાવર શો શહેરીજનોમાં ભારે લોકપ્રિય બન્યો છે. ગત વર્ષના ફ્લાવર શોમાં અંદાજે ૧૮થી ૨૦ લાખ લોકો ઊમટ્યા હતા. આ વર્ષે ફ્લાવર સોમાં એન્ટ્રી ફી રખાઇ છે તેમજ તેના દિવસો પણ ઘટાડીને સાત દિવસ કરાયા હોવા છતાં દસ લાખથી વધુ શોખીનો ફ્લાવર શોની મુલાકાત લેશે તેવી શકયતા સેવાઇ રહી છે. ફ્લાવર શોમાં સી પ્લેન, બુલેટ ટ્રેન, ગાંધીજી, હરણ, જિરાફ, બટરફ્લાય, કળા કરેલા મોર જેવાં પચાસથી વધુ સ્કલ્પ્ચર ઉપરાંત તેમાં કિચન ગાર્ડનનો લાઈવ ડેમો કરાશે. આશરે ૨૦૦ ચો.મીટરની જગ્યામાં ૩૦૦થી વધારે કુંડા મૂકીને તેમાં ટામેટાં, મરચાં, દૂધી અને રીંગણા જેવાં શાકભાજીના ફળ સાથેના રોપાના માધ્યમથી લોકોને શાકભાજી કેવી રીતે ઉછેરવાં તેની સમજ અપાશે. આ ઉપરાંત ફોટોગ્રાફી માટે ત્રણ સેલ્ફી પોઈન્ટ ઊભા કરાશે, જેમાં ફુલોમાંથી બનાવેલા પાંડા તથા હાર્ટ શેપનો સમાવેશ થાય છે. અમ્યુકોના લોકપ્રિય થઇ રહેલો આ ફલાવર શો જોવા લોકો માત્ર અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો જ નહી પરંતુ રાજયના વિવિધ શહેરો અને સ્થળોએથી ખાસ મુલાકાત લેતા હોય છે.

 

(8:34 pm IST)