Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

માતર નજીક એક ગામમાં કંપનીના પ્રદૂષણથી રહીશો ત્રાહિમામ

માતર:તાલુકાના એક ગામમાં આવેલી કંપની દ્વારા મોટા પ્રમાણમાં કચરો ઠલવાતા કેટલાય ગામોમાં તેની આડ અસર જોવા મળી રહી છે. જેના પગલે આ ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ આજે ભેગા મળી આ કંપની અને સરકારક વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં તેઓનો રસ્તા રોકો આંદોલન પણ કરવાનુ આયોજન હતુ. પરંતુ સમયે અધિકારીઓએ આવી લોકોને આશ્વાશન આપતાં લોકોનો ગુસ્સો શાંત પડયો હતો.

ત્યારબાદ પોલીસ અધિકારીઓએ કંપનીને કાયદાકીય દસ્તાવેજો સાથે હાજર થવાં સૂચન કર્યુ હતુ. ત્યારે આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો ૫૦થી વધુ ગામો મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતાઓ છે. જેથી નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો ભેગા મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ખેડા જિલ્લાના માતર તાલુકાના નગરા, ત્રાંજ, ત્રણજા, અસલાલી, માંછેલ, માલવાળા, લીબાંસી ગામોમાં એક ખાનગી કંપનીના કારણે ભારે મુશ્કેલીઓ ઉભી થઈ છે. નગરા ગામે કલસ્ટર એનવાયરમેન્ટ પ્રાઈવેટ લિમીટેડ દ્વારા જોખમી ઘન કચરાના નિકાલ માટે પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. જેના કારણે ઉપર જણાવેલા કેટલાક ગામોમાં ભારે નુકશાનની ભીંતી સેવાઈ રહી છે.

નગરા પાસે આવેલી આ કંપની દ્વારા કચરા અને વેસ્ટેજના મોટા-મોટા ટ્રકો ઠાલવાઈ રહ્યા છે. નગરા ગામ પાસે સરકારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જુથ યોજના બનાવી માતર તાલુકાના ૫૪ ગામોને મળતુ ફીલ્ટરનું શુધ્ધ પાણી પણ ભવિષ્યમાં મળશે કે કેમ તે અંગે શંકાઓ થઈ રહી છે.

ત્યારે પોલીસે કંપનીને નોટીસ પાઠવી કાયદેસર દસ્તાવેજો સાથે હાજર રહેવા માટે જણાવ્યુ છે. બીજીતરફ કંપનીનો દાવો છે કે તે કાયદાકીય રીતે કંપની ચલાવી રહ્યા છે જેથી અનેક શંકાઓ જન્મી રહી છે. ત્યારે નગરા ગામના સરપંચના મતે જો આ કંપનીને બંધ કરાવવામાં નહીંં આવે તો ફરીથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની રાહ ખુલ્લી હોવાનું જણાવ્યુ છે. આ અગાઉ પણ અનેક ગામોમાં કંપનીના વેસ્ટેજ ભરેલા ટ્રકોને રોકવામાં આવ્યા હતા. જેમાં ત્રાંજ, લીબાંસી અને અન્ય ગામોમાં ટ્રકો રોકી વિરોધ કરવામાં આવ્યો હતો.ત્યારે હવે આ સમસ્યાનું કાયમી ધોરણે નિકાલ આવે તેવી લોકમાંગણી ઉગ્ર બની રહી છે.

(3:54 pm IST)