Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

માત્ર સંજોગોને ધ્યાને લઇ આરોપીને દોષિત ઠેરવી શકાય નહીં

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

અમદાવાદ તા. ૪ : હત્યાના કેસમાં નીચલી અદાલતના આજીવન કેદની સજા ફટકારતા આદેશ સામેની અપીલમાં હાઇકોર્ટે આરોપીને મુકત કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અને જસ્ટિસ એ.એસ. સુપૈયાની ખંડપીઠે આ કેસમાં હુકમ કરતા નોંધ્યું હતું કે,'ફરિયાદી પક્ષ દ્વારા આરોપીને દોષિત ઠેરવવા માટેના પુરતા પુરાવા ના રજૂ કર્યા હોય ત્યારે તેના અભાવે ટ્રાયલ કોર્ટ માત્ર સંજોગોને ધ્યાનમાં રાખીને આરોપીને દોષિત ઠેરવી શકે નહીં. આ કેસમાં બનેલી ઘટના બાદ આરોપીની વર્તણુંક આધારભૂત સંજોગ ગણી શકાય પરંતુ દોષિત ઠેરવવા તેને પુરતું ગણી શકા નહીં.' આ પ્રકારનું અવલોકન કરતા હાઇકોર્ટની ખંડપીઠે ટ્રાયલ કોર્ટે તેના ચુકાદામાં ભારે ભૂલ કરી હોવાનું નોંધી તેને રદબાતલ ઠેરવ્યો હતો. સાથે જ અપીલ કરનાર આરોપીને દોષમાંથી મુકત કરવાનો આદેશ કર્યો હતો.

આ સમગ્ર મામલે અરજદાર રણછોડભાઇ સોલંકીએ ટ્રાયલ કોર્ટના હુકમને હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો. તેમના વતી એડવોકેટ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, 'ઘટનાના ૧૨ વર્ષ બાદ અરજદારની ધરપકડ કરવામાં આવી હતી અને ફરિયાદ પક્ષ તેના વિરુદ્ઘ ટકી શકે એવા આરોપમાં તેની સામેલગીરી દર્શાવતા કોઇ સીધા પુરાવા રજૂ કરી શકયો નથી. ઘટનાને નજરે જોનારા કોઇ સાક્ષીઓ પણ નથી. તેથી ટ્રાયલ કોર્ટે એવા સંજોગોમાં કે જયારે અન્ય આરોપીઓને મુકત કરવાનો આદેશ કર્યો છે ત્યારે માત્ર તેને દોષિત ઠેરવીને ભારે ભૂલ ભરેલો નિર્ણય કર્યો છે.'

ખંડપીઠે નોંધ્યું હતું કે,'ફરિયાદ પક્ષનો સંપૂર્ણ કેસ સાંયોગિક પુરાવા ઉપર જ નિર્ભર હોય તેમ જણાય છે કેમ કે ઘટના સમયે કોઇ સાક્ષી ત્યાં હાજર જ નહોતો. આવા સંજોગોમાં ફરિયાદ પક્ષ જયારે ખાતરીપૂર્વકના પુરાવા રજૂ ના કરી શકયો હોય અને સંજોગો, તથ્યોની કડીઓને સિદ્ઘ કરી આરોપીને દોષિત સાબિત કરવાના નિષ્ફળ રહ્યો હોય ત્યારે માત્ર શંકા રાખીને તેને ગુનાનો આરોપી ઠેરવવો મુશ્કેલ જણાય છે. જો શંકા ખરેખર મજબૂત હોય તો પણ તે પુરાવાનું સ્થાન લઇ શકે નહીં તે પ્રસ્થાપિત સિદ્ઘાંત છે. ફરિયાદ પક્ષે શંકાનું કોઇ સ્થાન ના રહે એ રીતે આરોપ સિદ્ઘ કરવો પડે.' આ પ્રકારના અવલોકન કરી ખંડપીઠે ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદબાતલ ઠેરવી અરજદારને મુકત કરવાનો આદેશ કર્યો હતો.

૧૯૯૮માં થયેલી હત્યાનો મામલોઃ ગળું દબાવી સામંતભાઈની હત્યા કર્યાનો આક્ષેપ

ઉંટવાડા ગામ નજીકના તારાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ ૧૯૯૮ના કેસમાં એવા આક્ષેપ ફરિયાદી પક્ષે કર્યા હતા કે,'રણછોડભાઇ અને સામંતભાઇ(મૃતક) બંનેને દારૂ પીવાની લત હતી. સામંતભાઇના પત્ની સાથે આરોપીને સંબંધ હતો અને તેઓ કયાંક ચાલ્યા પણ ગયા હતા. પાછળથી તેઓ પરત આવી ગયા હતા. ત્યારબાદ એક દિવસ સામંતભાઇનું મૃત્યુ થયું છે તેમ કહી ગામના સરપંચને બોલાવવામાં આવ્યા હતા. જો કે, રણછોડભાઇ અને મૃતકના પત્ની સ્થળે નહોતા. કોઇ મહિલાના વેચાણના મુદ્દે ઝઘડો થયો હોવાથી તે બધાએ મળીને સામંતભાઇનું ગળું દબાવી મોત નીપજાવ્યું હોવાનું ફરિયાદીઓને ધ્યાને આવતા તેમણે ફરિયાદ નોંધાવી હતી.'

(9:39 am IST)