Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

કરોડોનું ફુલેકું ફેરવનારને ચેક રિટર્ન કેસમાં સજા થઇ

સમાધાન પેટે આપેલા ૧.૬૨ કરોડના ચેક રિટર્ન : એક કા તીન કૌભાંડ આચરી રૂપિયા ૫૦૦ કરોડથી વધુનું ફુલેકું ફેરવીને હજારો લોકોને રાતા પાણીએ રડાવ્યા હતા

અમદાવાદ, તા.૩, એક કા તીન કૌભાંડ આચરી રૂ.૫૦૦ કરોડથી પણ વધુનુ ફુલેકું ફેરવનાર મહાઠગ આરોપી અભય ગાંધીને રૂ.૧.૬૨ કરોડની રકમના ત્રણ ચેક રિટર્ન થવા બદલ અત્રેની સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટના જજ ડી.આર.વ્યાસે દોઢ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. કોર્ટે આરોપી અભય ગાંધીને રૂ.૩૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. એક તબક્કે અભય ગાંધીએ તેની પાસે આટલા રૂપિયા નહી હોવાનો બચાવ કર્યો હતો જો કે, પાછળથી તેના સગાવ્હાલાઓએ ભેગા મળી આ રૂપિયા કોર્ટમાં જમા કરાવી દીધા હતા. પોતાની કારકિર્દી શેરબજારમાંથી શરૂ કરનાર અભય ગાંધીએ રાતોરાત કરોડપતિ બનવાની લ્હાયમાં શોર્ટ કટ અપનાવ્યો હતો અને ૨૦૧૧માં એક કા તીન કૌભાંડમાં અમદાવાદ સહિત રાજયભરના લોકોને લલચાવી-ફસાવી તેમની પાસેથી લાખો-કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. એઆઇએસઇ પ્રાઇવેટ કેપીટલ નામની કંપની ખોલી અભય ગાંધી અને તેના ભાઇ પારસ ગાંધી સહિતની ઠગ ટોળકીએ ગુજરાતના નિર્દોષ લોકોને છેતરી તેમને રાતા પાણીએ નવડાવ્યા હતા. પાછળથી મહાઠગ અભય ગાંધીના કારસાનો પર્દાફાશ થતાં રોકાણકારો દ્વારા સેટેલાઇટ પોલીસ મથક, ક્રાઇમબ્રાંચ સહિત વિવિધ ફરિયાદો અભય ગાંધી અને તેના સાગરિતો વિરૂદ્ધ દાખલ થઇ હતી. દરમ્યાન અભય ગાંધીની એક કા તીનની સ્કીમમાં અબ્દુલ રહીમ વલીઉદ્દીન દેસાઇએ પણ રૂ.૧.૬૨ કરોડનું રોકાણ કર્યું હતું બાદમાં, પોતાના રૂપિયા નહી મળતાં અબ્દુલરહીમે અભય ગાંધી વિરૂધ્ધ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતુ. જો કે, ફરિયાદ નહી કરવા બદલ તેને પૈસા પરત આપવાની હૈયાધારણ આપી અભય ગાંધીએ તેની સાથે સમાધાન કર્યું હતુ અને તે પેટે રૂ.૧.૬૨ કરોડની રકમના ત્રણ અલગ-અલગ ચેક અબ્દુલ રહીમને આપ્યા હતા. આ ચેક રિટર્ન થતાં અબ્દુલ રહીમે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટની જોગવાઇ હેઠળ અભય ગાંધી વિરૂધ્ધ કેસ દાખલ કર્યો હતો. જેની સુનાવણીના અંતે કોર્ટે આરોપી અભય ગાંધીને દોઢ વર્ષની સજા ફટકારી હતી.

(9:41 pm IST)