Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

બોગસ દસ્તાવેજ રજૂ કરી કરોડોની છેતરપિંડી કરનાર ખટોદરાના દંપતી સહીત સાત વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:રીંગરોડ સ્થિત રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માં બોગસ દસ્તાવેજો રજૂ કરી રૃ. ૩ કરોડની મશીનરી લોન મેળવી લોનના હપ્તા ભરપાઈ ન કરી લોન માટે જે મિલ્કતની બોગસ કબજા રસીદ રજૂ કરી હતી તે પણ વેચી નાંખી છેતરપિંડી કરનાર દંપત્તિ સહિત ૭ વિરુધ્ધ ખટોદરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મોટા વરાછા વૃંદાવન ચોક મહારાજા ફાર્મની પાસે રીવેરા ગ્રીન કે/૧૦૪ માં રહેતા અને સુરત જીલ્લાના કીમ ખાતે કાવ્યા રેસીડન્સીમાં મેસર્સ ખોડીયાર ફેશનના નામે પેઢી ધરાવતાં મધુબેન ઝવેરભાઈ ખાખરીયાએ ગત ૨૨ માર્ચ, ૨૦૧૭ ના રોજ સુરતના રીંગરોડ સ્થિત રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માંથી મશીનરી ખરીદવા માટે રૃ. ૩ કરોડની લોન મેળવી હતી.

લોન મેળવવા મધુબેને બી.આર.મેન્યુફેક્ચરીંગ (રહે. ૮૮,૮૯, નિલકંઠનગર સોસાયટી, કતારગામ, જીઆઈડીસી શોપ નં.૩, કતારગામ, સુરત)નું ક્વોટેશન રજૂ કર્યુ હતું. જ્યારે જામીનદાર તરીકે તેમના પતિ ઝવેરભાઈ, પુત્ર રાહુલ ઉપરાંત રજનીકાંત વિનુભાઈ ખાત્રાણી (રહે. ૨૮, જય સોમનાથ સોસાયટી, પેડર રોડ, મોટા વરાછા, સુરત), હેમંતભાઈ ઘુસાભાઈ પટેલ, ગીતાબેન હેમંતભાઈ ધાનાણી (બંને રહે, બી/૧૦૧, શિવમ રેસીડન્સી, સ્વામીનારાયણ મંદિરની સામે, યોગીચોક, વરાછા, સુરત) ને રજૂ કર્યા હતા.

જો કે, લોન મળ્યા બાદ મધુબેને લોનના હપ્તા ભર્યા ન હતા અને મશીનરી ઈન્સ્ટોલ કરવા અંગેના ભાડા કરાર, લોન મેળવતી વખતે રજૂ કરેલા દસ્તાવેજો બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. ઝવેરભાઈએ ફૂલપાડા સર્વે નં. ૧૧૪/ પૈકી બજરંગનગર સોસાયટીના પ્લોટ નં. ૪૮ વાળી મિલ્કત પોતાની માલિકીની ન હોવા છતાં તેની કબજા રસીદ બેન્કમાં રજૂ કરી હતી અને બેન્કની જાણ બહાર તે વેચી પણ દીધી હતી.

બેન્ક તરફથી વારંવાર ઉઘરાણી કરવા છતાં લોન ભરપાઈ ન કરી છેતરપીંડી કરનાર મધુબેન સહિત ૭ વિરુધ્ધ આખરે ગતરોજ બેન્કના ડેપ્યુટી ચીફ મેનેજર ધર્મેશ કાશીરામ મોરે (રહે. ૨૩૯, આકાશ રો હાઉસ, પાંડેસરા, સુરત) એ નોંધાવતા પી.આઈ. એચ.આર.બ્રહ્મભટ્ટે વધુ તપાસ હાથ ધરી છે.

(4:27 pm IST)