Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

મંત્રી બળવંતસિંહ રાજપૂતે મલેશિયા ખાતે ‘ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયા ઓરિજિન’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કર્યું

VGGS 2024ની પહેલા ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ (MSME), નાગરિક ઉડ્ડયન તેમજ અને શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતનો ત્રણ દિવસીય મલેશિયા પ્રવાસ સંપન્ન

ગાંધીનગર:ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ (MSME), નાગરિક ઉડ્ડયન તેમજ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે 30 નવેમ્બરથી 02 ડિસેમ્બર, 2023 દરમિયાન મલેશિયાની મુલાકાત લીધી હતી. તેમના આ મલેશિયા પ્રવાસે ગુજરાત અને મલેશિયા વચ્ચેના સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

તેમની મુલાકાતના પ્રથમ દિવસે માનનીય મંત્રી બળવંતસિંહ રાજપૂત પામ ઓઇલ પ્લાન્ટેશન અને રિફાઇનિંગ ક્ષેત્રમાં અનેક સંસ્થાઓના વડાઓ અને વિવિધ કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાતો દરમિયાન, મંત્રીએ પામ વૃક્ષોના વાવેતર માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો અંગે તેમજ ગુજરાત અને મલેશિયા વચ્ચે પામ ઓઇલ ક્ષેત્રમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) માટેની વિવિધ તકો અંગે વાતચીત કરી હતી.

મંત્રી બળવંતસિંહ રાજપૂતે મલેશિયા સરકારના રોકાણ, વેપાર અને ઉદ્યોગના નાયબ મંત્રી હીઝ એક્સલન્સી લ્યુ ચિન ટોંગ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન, તેઓએ ઉત્પાદન, કૌશલ્ય વિકાસ અને શિક્ષણના ક્ષેત્રોમાં સહયોગ માટે વિવિધ ચર્ચાઓ કરી હતી. મંત્રીએ તેઓને જાન્યુઆરીમાં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું.
વધુમાં, કુઆલાલંપુરમાં ભારતના હાઈ કમિશનર દ્વારા મંત્રી બળવંતસિંહ રાજપૂત, વિદેશ રાજ્યમંત્રી રાજ રંજન સિંહ, અનેક બિઝનેસ ચેમ્બરના વડાઓ અને મલેશિયાના ઉદ્યોગ પ્રતિનિધિઓ માટે ઈન્ડિયા હાઉસ ખાતે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મલેશિયા પ્રવાસના બીજા દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂતે પ્રતિષ્ઠિત પેટ્રોનાસ ટ્વિન ટાવરની મુલાકાત લીધી હતી, તેમજ ઈશ્વરના આશીર્વાદ મેળવવા માટે કુઆલાલંપુરમાં બાટુ ગુફા મંદિરની મુલાકાત લીધી હતી. વધુમાં, મંત્રીએ કુઆલાલંપુરમાં ગુજરાતી સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતની વિકાસ યાત્રા અને તાજેતરની તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય સ્તરની પહેલો પર પ્રકાશ પાડ્યો હતો.
મલેશિયા પ્રવાસના બીજા દિવસે ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન (GOPIO) દ્વારા પ્રથમ બિઝનેસ સમિટ પણ આયોજિત કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન  મંત્રી બળવંતસિંહ રાજપૂત, વિદેશ મંત્રાલયના રાજ્યમંત્રી રાજકુમાર રંજન સિંહ, મલેશિયા સરકારના ઉદ્યોગસાહસિકતા અને સહકારી વિકાસના નાયબ મંત્રી તેમજ વાયબી સેનેટર સરસ્વતી કંડાસામી અને કુઆલાલંપુર ખાતે ભારતના હાઇ કમિશનર હીઝ એક્સલન્સી બી.એન. રેડ્ડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમિટમાં 15 દેશોમાંથી ભારતીય મૂળના લોકો (PIO)એ ભાગ લીધો હતો. મંત્રી બળવંતસિંહ રાજપૂતે GOPIO સમિટમાં સંબોધન કર્યું હતું.
સંબોધન દરમિયાન, મંત્રીએ આંતરરાષ્ટ્રીય વ્યાપારી સમુદાય માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો અંગે વાત કરી અને PIO સમુદાયને વડાપ્રધાનના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને પરિપૂર્ણ કરવાનો ભાગ બનવા માટે પ્રેરિત કર્યા. તેમણે આ પહેલ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવા અને ગુજરાતમાં રહેલી તકોને એક્સપ્લોર કરવા માટે પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું હતું. વધુમાં, ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાહુલ ગુપ્તા (IAS) એ પણ ગુજરાતમાં રોકાણની તકો વિશે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
મુલાકાતના છેલ્લા દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂતે મલેશિયાના પેનાંગમાં સ્થિત માઇક્રોનની વર્લ્ડ ક્લાસ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, માઇક્રોનની ટીમે ગુજરાતના સાણંદમાં બની રહેલી ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ફેસિલિટીની વિગતો શેર કરી હતી અને આ ક્ષેત્રની નવીનતમ તકનીકીઓનું પ્રદર્શન કર્યું હતું, જે તેઓએ ભારતમાં શરૂ કરી છે.

 

(9:45 pm IST)