Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

લગ્નસરાની સિઝન, શિયાળુ ખેતી અને ખેડૂતો કામમાં હોવાથી ઓછુ મતદાન થયુ હોવાનું કારણ જણાવતા પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ

નીતિનભાઇ પટેલના વિસ્‍તાર કડીમાં ઓછુ મતદાન થયુ છતાં મહેસાણાની 7 બેઠકો ભાજપ જીતશે તેવો દાવો કર્યો

મહેસાણાઃ સામાન્‍ય રીતે ચૂંટણીમાં ઓછુ મતદાન થતા કડી ખાતેથી પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે કારણ આપતા જણાવ્‍યું છે કે, લગ્નસરા અને શિયાળુ ખેતીના કારણે ઓછુ મતદાન થયુ છે. જો કે ભાજપને નુકશાન થયુ નથી.

રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું છે. પ્રથમ તબક્કામાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું અને 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં બંધ થઇ ગયું છે. પરંતુ ચારેબાજુ ઓછા મતદાનને લઈને ચર્ચાઓ ચાલીઓ વચ્ચે નીતિન પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. 

લગ્ન અને શિયાળુ પાકની સિઝનના લીધે પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયું હોવાનું નીતિન પટેલે અનુમાન લગાવ્યું છે. તેમણે કહ્યું ઓછા મતદાનથી તમામ ઉમેદવારને અસર પણ ભાજપને નુકસાન નથી. 

કડી ખાતેથી પૂર્વ ડે.સીએમ નીતિન પટેલે પ્રથમ ચરણના પૂર્ણ થયેલ ઓછા મતદાન વિશે જણાવ્યું હતું કે, લગ્નસરાની સિઝનને લીધે મતદાન ઓછું થયું છે. ખેડૂતો માટે પણ શિયાળુ ખેતીની સિઝન છે. ખેડૂતો પણ પોતાના કામમાં હતા જેની અસર પણ કહી શકાય. ગત ચૂંટણી કરતા આ વખતે સરેરાશ 5 ટકા મતદાન ઓછું થયું છે. ઓછું મતદાન તમામ ઉમેદવારને અસર કરતું હોય છે, પરંતુ ઓછા મતદાનથી ભાજપને કોઈ નુકશાન નથી.

નીતિન પટેલે વધુમાં જણાવ્યં હતું કે, અમારા ભાજપના કાર્યકર્તાઓએ મતદાન કરવા મતદારોને પ્રોત્સાહિત કર્યા હતા. મતદારોની લાંબી લાઈનો હતી એ ભાજપ સમર્થકોની લાઈન હતી. કોંગ્રેસના સમર્થકોની કોઈ લાઈનો નહોતી. અમે મહેસાણા જિલ્લાની સાતેય સીટો જીતવા પ્રયાસ કરી રહ્યા છીએ. મહેસાણા જિલ્લામાં અમે તમામ 7 સીટો જીતીશું. ગુજરાતમાં પણ અમે ખૂબ સારી જીત મેળવીશું. આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં યોજાયેલ તમામ ચૂંટણીઓમાં સૌથી વધુ સીટો અમે જીતીશું.

(5:38 pm IST)