Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

સુરતના મહિધરપુરામાં 20.75 લાખના હીરા લઈ દલાલ રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: મૂળ ભાવનગરના ગારીયાધારના વતની અને સુરતમાં મોટાવરાછા રહેતા વૃદ્ધ હીરાદલાલનો હમવતની દલાલ એક પાર્ટી રોકડમાં હીરા ખરીદવા આવી છે કહી મહિધરપુરા હીરાબજારમાં લઈ જઈ રૂ.20.75 લાખના હીરા લઈ ભીડમાં ગાયબ થઈ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ગારીયાધારના વતની અને સુરતમાં મોટા વરાછા મહારાજા ફાર્મની પાછળ શિવધારા કેમ્પસ ફ્લેટ નં.સી-1303 માં રહેતા 59 વર્ષીય વલ્લભભાઈ રામજીભાઈ ભરોળિયા છેલ્લા 20 વર્ષથી મહિધરપુરા હીરા બજાર અને વરાછા મીની બજારમાં હીરા દલાલ તરીકે કામ કરે છે.તેમના ગામના જ સોહીલ ઉર્ફે સુમિત મગનભાઈ સભાડીયા વર્ષ અગાઉ હીરા દલાલીનું કામ શરૂ કરતા તે અવારનવાર વલ્લભભાઈને ફોન કરી બહારથી આવેલી પાર્ટીને હીરા આપવા કહેતો હતો.આથી ગત 17 સપ્ટેમ્બરના રોજ ફરી તેનો ફોન આવતા વલ્લભભાઈ પોતાની પાસેના રૂ.3.75 લાખના 10.58 કેરેટ હીરા લઈ સોહીલને મીની બજારમાં મળ્યા હતા.ત્યાં સોહીલે હીરા ખરીદવા આવેલી પાર્ટીને રોકડેથી હીરા ખરીદવા છે અને વધુ હીરા જોઈએ છે તેમ કહેતા બંને મહિધરપુરા હીરા બજારમાં પહોંચ્યા હતા અને વલ્લભભાઈ પરિચિત વેપારી હસમુખભાઈ વાલજીભાઈ ભીમાણી પાસેથી રૂ.17 લાખના 63.017 કેરેટ હીરા લઈ કુલ રૂ.20.75 લાખના હીરા સોહીલને આપ્યા હતા. સોહીલ પીપળા શેરીની એક ઓફિસમાં હીરા બતાવ્યા બાદ બીજી પાર્ટીને હીરા લીંબુ શેરીના નાકે મહાલક્ષ્મી ચેમ્બર્સમાં બતાવવા જતા હતા ત્યારે રસ્તામાં સોહીલને કોઈકનો ફોન આવતા તેણે વલ્લભભાઈને કંસારા શેરીમાં બતાવવા જવાનું છે કહી ચાલવા માંડયુ હતું.કંસારા શેરીના નાકે તેઓ પહોંચ્યા ત્યારે ઝડપથી આગળ ચાલતો સોહીલ હીરા લઈ ભીડમાં ભળી ગયો હતો અને બાદમાં મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો.આ અંગે વલ્લભભાઈએ ગતરોજ સોહીલ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:31 pm IST)