Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

અડાલજમાં બંધ મકાનમાં ભરવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો

ગાંધીનગર :  વિધાનસભાની ચૂંટણી માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે દારૃની રેલમછેલ થવાની પુરેપુરી શક્યતા જોવાઇ રહી છે આ સ્થિતિમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના અડાલજના બંધ મકાનમાં વિદેશી દારૃનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીને પગલે ગાંધીનગર એલસીબીએ દરોડો પાડીને ૫૦૦ પેટી વિદેશી દારૃનો જથ્થો ઝડપી લીધો હતો જો કે, મકાન માલિક સહિત બે શખ્સો ફરાર થઇ ગયા હતા હાલ તો ૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી આગામી સોમવારે યોજાવાની છે ત્યારે અમુક વિસ્તારના મતદારોને રીઝવવા માટે દારૃની ડિલીવરી કરવા રાજકીય પક્ષો અને ઉમેદવારો દારૃ ઉતારી રહ્યા છે ત્યારે ચૂંટણી ટાણે આ પ્રકારની દારૃની હેરફેર અટકાવવા માટે ચૂંટણા તંત્ર અને પોલીસ મેદાને ઉતરી પડયા છે. ગાંધીનગર એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, અડાલજના બાલાપીર દરગાહ સામે આવેલા એક બંગલામાં વિદેશી દારૃનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જે બાતમીને પગલે પોલીસ ટીમે દરોડો પાડયો હતો અને અહીં મકાનમાં દારૃની પેટીઓ જોઇને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અ..ધ..ધ..કહી સકાય તેટલો ૫૦૦ પેટી જેટલો દારૃનો જથ્થો અહીંથી મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આ બંગલો વિશાલ પ્રમોદભાઇ પટેલનો હોવાનું બહાર આવ્યું છે અને સિધ્ધાર્થ સુરેશ પટેલ અંબિકા ટાયરવાળા રહે.અમદાવાદ મુળ અડાલજ દ્વારા દારૃનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની પોલીસને વિગતો મળી રહી છે હાલ તો ૨૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને આ સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવા માટેની તજવીજ શરૃ કરવામાં આવી છે. 

(5:30 pm IST)