Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

હિમાલય સે ઉંચી મતદાનની ૭૮.૪૨ ટકાની યશસ્વી સિધ્ધિ સાથે પ્રથમ તબક્કાના મતદાનમાં રાજ્યભરમાં નર્મદા જિલ્લો પુનઃ ટકાવારીની ટોચ પર

નર્મદા જિલ્લાની બંને બેઠકો માટે ૧,૮૩,૯૯૧ પુરૂષ અને ૧,૭૫,૦૭૫ મહિલા સહિત કુલ-૩,૫૯,૦૬૬ મતદારોના મતદાન સાથે પ્રથમ તબક્કામાં સરેરાશ કુલ-૭૮.૪૨ ટકા સાથે નર્મદા જિલ્લો રાજ્યમાં મોખરે: દેડીયાપાડા બેઠક માટે ૯૩,૧૨૨ પુરૂષ અને ૯૧,૦૬૮ મહિલા સહિત કુલ- ૧,૮૪,૧૯૦ મતદારોના મતદાન સાથે રાજ્યની ૮૯ બેઠકોમાં ૮૨.૭૧ ની ટકાવારી સાથે પણ દેડીયાપાડા રાજ્યમાં મોખરે: નાંદોદ બેઠક માટે ૯૦,૮૬૯ પુરૂષ અને ૮૪,૦૦૭ મહિલા સહિત કુલ-૧,૭૪,૮૭૬ મતદારોના મતદાન સાથે ૭૪.૩૬ ટકા નોંધાયેલું મતદાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કામાં ગઇકાલે તા.૦૧ લી ડિેસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારની ચૂંટણીઓમાં જિલ્લાની આ બન્ને બેઠકોમાં ૧,૮૩,૯૯૧ પુરૂષ અને ૧,૭૫,૦૭૫ મહિલા મતદારો સહિત કુલ- ૩,૫૯,૦૬૬ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને વિક્રમજનક મતદાન કર્યુ હતું. આ બન્ને બેઠકો માટે જિલ્લામાં પુરૂષ મતદાનની ટકાવારી ૭૯.૫૧ ટકા અને મહિલા મતદાનની ટકાવારી ૭૭.૦૧ ટકા સહિત સમગ્ર જિલ્લામાં સરેરાશ કુલ-૭૮.૪૨ ટકા મતદાન નોંધાવા સાથે નર્મદા જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો હોવાના અહેવાલ આજે પ્રાપ્ત થયા છે. નર્મદા જિલ્લાની બન્ને બેઠકોના વિસ્તારમાં જિલ્લાનાં મતદારોએ અભૂતપૂર્વ અને ઐતિહાસિક મતદાન કરતા હિમાલયસે ઉંચી મતદાનની સરેરાશ ટકાવારીની યશસ્વી સિધ્ધિ સાથે પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લો પુનઃ રાજ્યભરમાં ટકાવારીની ટોચના સ્થાને રહેવા પામ્યો છે.  
  અત્રે ઉલ્લેખનીય છે કે, હાલની વિધાનસભા-૨૦૨૨ ની સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લાની આ બન્ને બેઠકો માટે ૨,૩૦,૫૩૨ પુરૂષ અને ૨,૨૭,૩૪૬ મહિલા તેમજ અન્ય જાતિના- ૨ (બે) મતદારો સહિત કુલ-૪,૫૭,૮૮૦ મતદારો નોંધાયેલ હતા.
  નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ જિલ્લાની આ બન્ને બેઠકો માટે ગઇકાલે થયેલા મતદાનની વિગતવાર આંકડાકીય વિગતો જોઇએ તો, ૧૪૮- નાંદોદ (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં ૯૦,૮૬૯ પુરૂષ અને ૮૪,૦૦૭ મહિલા મતદારો સહિત કુલ-૧,૭૪,૮૭૬ મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં પુરૂષ મતદાનની ૭૬.૦૨ ટકા અને મહિલા મતદાનની ૭૨.૬૪ ટકા સહિત આ બેઠક માટે કુલ-૭૪.૩૬ ટકા જેટલી મતદાનની ટકાવારી રહેવા પામી છે. અત્રે એ નોંધવુંએ જરૂરી છે કે, નાંદોદ બેઠક માટે ૧,૧૯,૫૨૬ પુરૂષ અને ૧,૧૫,૬૫૧ મહિલા મતદારો તેમજ અન્ય ત્રીજી જાતિના ૨ (બે) મતદારો સહિત કુલ- ૨,૩૫,૧૭૯ મતદારો નોંધાયેલ હતાં.
  તેવી જ રીતે દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારના મતદાનમાં ગઇકાલે ૯૩,૧૨૨ પુરૂષ અને ૯૧,૦૬૮ મહિલા મતદારો સહિત કુલ-૧,૮૪,૧૯૦ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં દેડીયાપાડા બેઠક માટે પુરૂષ મતદાનની ૮૩.૮૯ ટકા અને મહિલા મતદાનની ૮૧.૫૩ ટકા સહિત આ બેઠક માટે કુલ-૮૨.૭૧ ટકા મતદાન સાથે દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં રાજયની ૮૯ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં દેડીયાપાડા વિધાનસભા વિસ્તાર સમગ્ર રાજ્યમાં ૮૨.૭૧ ટકા મતદાન સાથે મોખરે રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર માટે ૧,૧૧,૦૦૬ પુરૂષ અને ૧,૧૧,૬૯૫ મહિલા સહિત કુલ-૨, ૨૨,૭૦૧ મતદારો નોંધાયેલ હતા

(10:14 pm IST)