Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મને મારા હાથ મળી ગયા’....સ્વ.ધાર્મિક તેના હાથ થકી મારામાં જીવી રહ્યો છે': અંગદાનમાં હાથ મેળવનાર પૂણેના યુવાનને અવર્ણનીય ખુશી મળી

ગત ઓક્ટોબરમાં સુરતના બ્રેઈનડેડ ૧૪ વર્ષીય સ્વ.ધાર્મિક કાકડિયાના બંને હાથોનું દાન કરાયું હતું: મુંબઈમાં હાથોનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થયું: હાથ ગુમાવતા નિ:સહાય, લાચાર અને પરાવલંબી થયેલો મહારાષ્ટ્રનો યુવાન આજે નવું જીવન જીવવા માટે ઉત્સાહિત

સુરત:'શું ૧૪ વર્ષીય બાળકના હાથોનું ટ્રાન્સપ્લાન્ટ ૩૨ વર્ષીય વ્યક્તિના શરીરમાં શક્ય છે? આ પ્રશ્ન સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને મુંઝવણમાં મૂકી દે એવો છે. તો આનો જવાબ છે, 'હા, આવું શક્ય છે.' આ મિરેકલ જેવી ઘટના હકીકતમાં બની ચૂકી છે. ગત ઓકટોબર માસમાં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલા ૧૪ વર્ષીય સ્વ.ધાર્મિક અજયભાઈ કાકડિયાના બંને હાથોનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી થયું હતું. જે સમગ્ર દેશમાં સૌથી નાની ઉમરના બ્રેઈનડેડ બાળકના હાથનું દાન કરવાની સૌપ્રથમ ઘટના હતી. કાકડિયા પરિવારે પોતાના વ્હાલસોયા દીકરાના બંને હાથ સહિત હૃદય, ફેફસા, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.

 મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ દ્વારા ૧૪ વર્ષીય સ્વ.ધાર્મિકના બંને હાથોને પુનાના ૩૨ વર્ષીય યુવાન જિગર (નામ બદલ્યું છે)માં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે, જિગરને બે વર્ષ પહેલા વીજ કરંટ લાગતા તેના બંને હાથ-પગ કપાઈ ગયા હતા. તે પુનાની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં પત્ની, ૪ વર્ષનો પુત્ર અને ૨ વર્ષની પુત્રી છે.
ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાળા અને ટીમે મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં સ્વ,ધાર્મિકના હાથ મેળવનાર જિગર અને તેના પરિવાર મુલાકાત લઈ તેને મળેલા નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. હાથના ટ્રાન્સપ્લાન્ટ પછી તે યુવાનને જાણે સર્વસ્વ પરત મળી ગયું હોય એવી તેની લાગણી હતી. હાથના ટ્રાન્સપ્લાન્ટ પહેલા નિ:સહાય, લાચાર અને જીવન જીવવા માટે અન્ય આધારિત થયેલો આ યુવાન આજે નવું જીવન જીવવા માટે ઉત્સાહિત હતો.
 નિલેશ માંડલેવાલાએ તેને ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીના જીવન વિષે પૂછતા તે યુવાને જણાવ્યું હતું કે ‘ટ્રાન્સપ્લાન્ટ પહેલા લાચારી અને મજબૂરીના કારણે જીવનમાંથી રસ ઉડી ગયો હતો. મારા પરિવાર પર બોજરૂપ હોવાની અનુભૂતિ થતી હતી. નિરાશા અને હતાશાથી સતત તણાવ અનુભવતો હતો. બે વર્ષ પહેલા જ્યારે કરંટ લાગવાને કારણે મારા બંને હાથ પગ કપાઈ ગયા હતા ત્યારે મારી નવજાત દીકરી માત્ર ૧૨ દિવસની હતી. હું મારી વહાલી દીકરીને રમાડવા કે ખોળામાં લેવા માટે પણ અસમર્થ હતો. અકસ્માત પહેલા સ્વાવલંબી જીવન જીવતો હતો અને ત્યારબાદ પરાવલંબી થઈ ગયો હતો. શરીર પર ખંજવાળ આવે તો હું ખંજવાળી પણ શકતો ન હતો ત્યારે હતાશામાં આવી હું વિચારતો કે હાથ-પગ વગરની આવી જિંદગીનો શું મતલબ? વારંવાર મારા મનમાં એક સવાલ થતો કે 'અત્યારે મારા બાળકો નાના અને અણસમજુ છે. એ જયારે મોટા થશે, મને સવાલ પૂછશે કે તમારા હાથ કેમ નથી? તો એમને શું જવાબ આપીશ? પરંતુ હાથના ટ્રાન્સપ્લાન્ટ પછી એ સવાલ પૂરો થઇ ગયો. મારી પત્નીએ મને ખૂબ હિંમત આપી, હું થોડા સમય પછી કૃત્રિમ પગ પર ઉભો થઇ ગયો હતો. હવે નવા હાથ મળતાં જે ખુશી થાય છે એનું વર્ણન કરવું મુશ્કેલ છે એમ તેઓ ગદ્દગદ્દ થઈને જણાવે છે.
જિગરની પત્નીને હાથના ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીની લાગણી વિષે પૂછતા તેમણે જણાવ્યું કે, ‘પતિના અકસ્માત સમયે ૧૨ દિવસની દીકરી અને પતિની સારસંભાળ રાખવી એ ખુબ મુશ્કેલ હતું. પતિની હાલત જોઈને મારી આંખોમાંથી આંસુ સુકાતા ન હતા. પતિની એક બાળક જેવી સારસંભાળ રાખવી પડતી હતી. આજે જ્યારે મારા પતિના બંને હાથનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થઇ ગયું છે ત્યારે મારી ખુશીનો કોઈ પાર નથી. તેઓ ધીમે ધીમે સ્વાવલંબી જીવન જીવી શકશે અને બાળકોનો ઉછેર સારી રીતે કરી શકશે તેમ એમણે ઉમેર્યું હતું.
  જિગરના પરિવારે સ્વ.ધાર્મિકના માતા-પિતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘તેઓના સાહસિક નિર્ણય થકી આજે મને હાથ મળ્યા અને નવુ જીવન પણ મળ્યું છે. સ્વ.ધાર્મિકના માતા-પિતાને સંદેશ આપવા માંગું છું કે તમારો ધાર્મિક તેના હાથ થકી મારામાં જીવી રહ્યો છે. હું તેના હાથ વડે સત્કાર્યો કરીશ અને સમાજમાં અંગદાન માટે જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરીશ’
(ખાસ અહેવાલ:પરેશ ટાપણીયા)

(8:20 pm IST)