Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વડોદરાના કંપની સંચાલકને પરચેઝ ઓર્ડર આપી 29.04લાખની છેતરપિંડી આચરનાર અમદાવાદની કંપનીના સંચાલક વિરુદ્ધ ફરિયાદ

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર રહેતા કમલેશકુમાર જયસ્વાલ મકરપુરા જીઆઈડીસીમાં " વિરાજ ઇલેક્ટ્રો મે "નામની કંપની ધરાવે છે. તેમની કંપની ઇલેક્ટ્રિકલ પેનલ બનાવવાનું કામ કરે છે. 

વર્ષ 2015 દરમિયાન સાલમા સણસોલી ખાતે આવેલી " દીપ એન્જિનિય" નામની કંપનીમાં ફ્લેટ બેડ પ્રિન્ટિંગ મશીન બનાવતા પ્રકાશ બાબુલાલ હરસુરા અને તેમનો પાર્ટનર દીપેશ બાબુલાલ હરસુરા ( બન્ને રહે - સત્યપથ સોસાયટી ,ઘોડાસર કેનાલ પાસે, અમદાવાદ ) એ તેમની કંપનીના પ્રોડક્ટ માટે ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલની જરૂરિયાત જણાવી ખરીદવાની વાત કરી હતી. જેથી તેઓની જરૂરીયાત મુજબ કમલેશકુમારે રૂપિયા 9.63 લાખની કિંમતની એક કંટ્રોલ પેનલ બનાવી આપી હતી. જેના રૂપિયા પણ તેમણે ચૂકવી દીધા હતા. ત્યારબાદ વધુ માંગણી મુજબ વધુ  રૂ.69.29 લાખની ઇલેક્ટ્રિકલ પેનલો બનાવી આપી હતી. જે પૈકી 41.5 લાખની રકમ ચૂકવી હતી. જ્યારે 27.64 લાખની રકમ બાકી છે. 

આ ઉપરાંત વર્ષ 2016 દરમિયાન બાંગ્લાદેશ ખાતે આવેલી આરોપીઓની કંપનીમાં કંટ્રોલ પેનલ બેસાડવા માટે ફરિયાદીએ તેમની કંપની માંથી એન્જિનિયરો મોકલ્યા હતા. જેના સર્વિસના 1.40 લાખ પણ બાકી છે. આમ કુલ 29.04 લાખ રૂપિયા આજદિન સુધી ચૂકવ્યા નથી. તેવી ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ઉપરોકત બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(6:48 pm IST)