Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જગદીશભાઇ ઠાકોરની સફળ રાજકીય કારર્કીદીઃ વિદ્યાર્થી નેતાથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સુધીની સફર

૧૯૯૮માં જયારે કોઇ કપડવંજથી લોકસભા લડવા તૈયાર ન હતુ ત્યારે કોંગ્રેસે તેમને ટીકીટ આપી હતી

અમદાવાદ, તા.૩: આજે ગુજરાત કોંગ્રેસને તેના નવા સુકાની મળી ગયા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા જગદીશભાઇ ઠાકોરને પ્રમુખ તરીકે તથા સુખરામભાઇ રાઠવાને વિરોધ પક્ષના નેતા તરીકે નકકી કર્યાનું છે. આજે સાંજે ગુજરાતના પ્રભારી રઘુ શર્મા વિધીવત જાહેરાત કરનાર છે, બે દિવસ પહેલા રઘુ શર્માએ દિલ્હી ખાતે રાહુલ ગાંધી સાથે બંને નામો અંગે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી.

ગુજરાતમાં લગભગ અઢી દાયકાથી કોંગ્રેસ સત્તાથી સતત દુર છે. તેવામાં જુથબંધી અને આંતરીક વિખવાદને કારણે પ્રદેશ પ્રમુખ અંગે પણ લાંબા સમયથી મથામણ ચાલી રહી છે. કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. તેવામાં હાઇકમાન્ડે પાર્ટીમાં મોટા ફેરફાર કરવાનું શરૂ કરી દીધુ છે.

પરિવર્તનરૂપે રાહુલ ગાંધીએ ગુજરાતના અધ્યક્ષ પદ માટે પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહીં લડી શકે તેવી જાહેરાત પણ કરી છે, ત્યારે આ બધાની વચ્ચે ઠાકોર સમાજનું પ્રતિનિધીત્વ કરતા જગદીશભાઇ મોતીજી ઠાકોરને પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસ પાર્ટીના મહાસચીવ કે.સી. વેણુ ગોપાલે પ્રેસ રીલીઝ દ્વારા જાહેરાત કરેલ.

જગદીશભાઇ ઠાકોરનો જન્મ ૧/૭/૧૯૫૭ના રોજ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચાંગા ગામે થયો હતો. તેઓ ઓલ્ડ એસએસસી પાસ છે.

જગદીશભાઇએ ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી, ચેરમેન, રાજીવગાંધી પંચાયત રાજ પરિષદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી, ભૂતપૂર્વ સાંસદ પાટણ ૨૦૦૯ થી ૨૦૧૪ બે વખત દહેગામ બેઠક પર ધારાસભ્ય  ૨૦૦૨ થી ૨૦૦૭ અને ૨૦૦૭ થી ૨૦૦૯ ચૂંટાયા હતા.

૧૯૭૩ વિદ્યાર્થી નેતા બન્યા હતા. ૧૯૭પમાં અમદાવાદ જીલ્લા યુવા કોંગ્રેસ કમીટીના મંત્રી, ૧૯૮૦માં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના એકઝીકયુટીવ મેમ્બર, ૧૯૮પ થી ૧૯૯૪ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ, ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમીટીમાં સભ્ય, ૧૯૯૮ થી ૧૯૯૯ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના ઓબીસી સેલના પ્રમુખ, અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના મહામંત્રી અને ઓબીસી સેલના વડા છે.

૧૯૯૮માં લોકસભાની કપડવંજ બેઠક  પર જયારે કોઇ કોંગ્રેસ તરફથી લડવા તૈયાર નહોતુ ત્યારે કોર્પોરેશન કે ધારાસભાની કોઇ પણ ચુંટણી લડયા વગર તેમને ટીકીટ અપાઇ અને પ૧૦૦૦ મતથી હાર્યા હતા. પ-ર-૮૩ થી રર-પ-૮૩ રાજકોટથી રતનપુરની પદયાત્રા કરેલ. ૧૯૮૩માં સ્વર્ગસ્થ  ઇંદિરા ગાંધીના નેતૃત્વ હેઠળના તાલકટોરા સ્ટેડીયમ ખાતે યોજાયેલ કોંગ્રેસ સંમેલનમાં ડેલીગેટ તરીકે ભાગ લીધો. ૯-૮-૧૯૮પથી ૬-૯-૧૯૮પ સુધીના પોરબંદરથી રતનપુર ઇન્દીરા જયોત પ્રોગ્રામના કન્વીનર હતા. તીરૂપતી ખાતે ૧૯૮૬માં યોજાયેલ બે દિવસીય સંમેલનમાં ડેલીગેટ, ૧૯૮૬માં તાલકટોરા યુથ કોંગ્રેસ સંમેલનમાં ટ્રાન્સપોર્ટ કમીટીના કન્વીનર બનેલ, ૧૯૮પમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજીત ભારત દર્શન યાત્રાના કન્વીનર હતા.

ઉપરાંત તેઓ ૧૯૮પમાં આબુ રોડથી ભીલાડ 'કોંગ્રેસ જયોત' પદયાત્રાના કન્વીનર ૧૯૮૭માં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજીત 'એકતા સાયકલ યાત્રા' કાર્યક્રમના કન્વીનર ૧૯૮૭માં પોરબંદર ખાતે સ્વ. રાજીવ ગાંધીના પ્રમુખપદે યોજાયેલ સાયકલ યાત્રાના કન્વીનર ૧૯૮૮માં ગુજરાત પ્રદેશની યુથ કોંગ્રેસની દાંડી યાત્રામાં કો-ઓર્ડીનેટીંગ સેક્રેટરી બન્યા હતા.

ર૦૦રમાં દહેગામ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. ર૦૦૭માં ફરીથી દહેગામ બેઠક પરથી ચુંટાયા અને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના મુખ્ય વ્હીપ બન્યા. ર૦૦૯થી ર૦૧૪ પાટણ લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા, ર૦૦૯ થી ર૦૧૪ દરમિયાન લોકસભાની વિવિધ કમિટીઓમાં સભ્ય ર૦૧પમાં હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના પીઆરઓ, ર૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં બનાસકાંઠા લોકસભા ક્ષેત્રના ઇન્ચાર્જ. ર૦૧૭ની વિધાનસભા ચુંટણીના સ્ટાર પ્રચારક પણ તેઓ રહી ચુકયા છે.

જયારે ર૦૧૮માં ખેડા જીલ્લા સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ઇન્ચાર્જ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વર્કીગ કમિટીના પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન ગ્રુપના સભ્ય ર૦૧૯માં પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બન્યા  હતા

રાષ્ટ્રીય કક્ષાએ જગદીશભાઇએ ૧૯૮૯ માં પંજાબ પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજીત જીલ્લા કક્ષાના સંમેલનો, રેલી વગેરેના નિરીક્ષક ૧૮ દિવસના આ પ્રોગ્રામમાં તેમણે ૧૬ પબ્લીક મીટીંગ કરી હતી. ત્યાર પછીની મીટીંગમાં ચેરપર્સનની હત્યા આતંકવાદીઓ દ્વારા કરાતા પછીના દિવસોમાં પબ્લીક મીટીંગની જગ્યાએ તેમની શોકસભા કરવી પડી હતી.

સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન વર્લ્ડ યુથ ફેસ્ટીવલમાં તેમની પસંદગી ડેલીગેટ તરીકે કરાઇ હતી. સાઉથ કોરીયા ખાતે આ ફેસ્ટીવલ ર૧-૦૬-૧૯૮૯ થી ૧૦-૭-૧૯૮૯ દરમ્યાન યોજાયો હતો. ર૦૧૩ માં તેમણે ઢાકા ખાતેના શિક્ષણ સેમીનારમાં ભાગ લીધો હતો.

જગદીશભાઇ સમસ્ત ક્ષત્રીય ઠાકોર કેળવણી મંડળના ભુતપૂર્વ પ્રમુખ હતા તે દરમ્યાન ગાંધીનગરના આલમપુર ગામ ખાતે ૪.પ કરોડ રૂપિયાના ખર્ચે બીજું ઠાકોર ભવન બનાવયું હતું આ ઠાકોર ભવનમાં ધોરણ પ થી ૧ર ના વર્ગો ધરાવતુ મોટું સંકુલ, હોસ્ટેલ બીલ્ડીંગ છે. આ કેમ્પસ ભાવી પેઢીને સારૂ શિક્ષણ આપવાના ઉદેશથી બનાવાયું છે. જગદીશભાઇ ઠાકોરને (મો.નં.૯૮૨૫૨ ૪૫૩૩૦, ૯૪૨૮૮ ૨૭૯૦૦) શુભેચ્છા મળી રહી છે.

(4:40 pm IST)