Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અમદાવાદ મનપાની ટર્મ કયારે પૂર્ણ ગણવી? મુદત વધશે કે પછી વહીવટદાર નિમાશે ? સસ્પેન્સ વધ્યું

2 ડિસેમ્બરે કોર્પોરેટરોની ટર્મ પૂર્ણ થઈ પણ નોટિફિકેશન આવ્યું નહીં:મેયરની નિમણુંકની ટર્મ 14 ડિસેમ્બરે પૂર્ણ થાય છે એ પહેલાં વહીવટદાર કે મુદત વધારો ?

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટર્મ ક્યારે પૂર્ણ ગણવી? તેને લઈ સસ્પેન્સ ઉભું થયું છે. ગઈકાલે 2 ડિસેમ્બરના રોજ કોર્પોરેટર ચૂંટણી જીતીને આવ્યાને પાંચ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, પણ હજુ સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની મુદત વધારા અંગે કોઈ નોટિફિકેશન જાહેર થયું નથી. આ સિવાય મેયરની નિમણુંક 14 ડિસેમ્બર 2015ના રોજ થઈ હતી, તો 14મી ડિસેમ્બરના રોજ ટર્મ પૂર્ણ ગણવામાં આવશે? તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે, પણ AMCની મુદત વધશે કે પછી વહીવટદાર નિમાશે? આ મુદ્દે સસ્પેન્સ વધ્યું છે. 

અમદાવાદ શહેરમાં કોરોનાના 50,000 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે બે હજારથી વધુ દર્દીઓ કોરોનાથી મોતને ભેટયા છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારે એક બે મહિના પહેલા જ સ્થિતિ સ્પષ્ટ કરી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અન્ય કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણી નિયત સમયમાં થશે નહીં. આ માટે ટૂંક સમયમાં મુદત વધારાનું નોટિફિકેશન કરવામાં આવશે. રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે આ મુદ્દે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ કરી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ ક્યારે પૂર્ણ ગણાશે. તેને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે 

ગત 2 ડિસેમ્બર 2015ના રોજ ચૂંટણી જીતીને ઉમેદવાર કોર્પોરેટર બન્યા હતા. મોટાભાગના કોર્પોરેટરો ગઈકાલે 2 ડિસેમ્બર 2020ના રોજ પોતાની સંપૂર્ણ થઈ હોવાનું માની રહ્યા છે. વર્ષ 2015માં પહેલી સામાન્ય સભા 14 ડિસેમ્બરના રોજ કરાઇ હતી. આ સામાન્ય સભામાં મેયરની નિમણૂક થઈ હતી. તા. 14 ડિસેમ્બર 2020ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ પૂર્ણ માનવામાં આવી રહી છે. જો આગામી 14 ડિસેમ્બર પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુદત ત્રણ મહિના વધે છે કે પછી વહીવટદારની નિમણૂક કરવામાં આવે છે તે અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે. આ અંગેનું નોટિફિકેશન આગામી 10 કે 12 ડિસેમ્બરની તારીખે જાહેર થાય તેવી શક્યતા છે. કોર્પોરેટરો એવું પણ માની રહ્યા છે કે રાજ્ય સરકાર મુદત વધારાને બદલે વહીવટીદારને મુકવા ઉપર પણ વિચારણા કરી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટદાર નિમય તો તમામ કોર્પોરેટરો અને હોદ્દેદારોની તમામ સત્તાઓ પરત લેવામાં આવશે. જો મુદત વધારો કરવામાં આવે તો તમામ હોદ્દેદારોની સત્તા યથાવત રહેશે. હાલમાં મુદત વધારો કે વહીવટદાર આ મુદ્દો કોર્પોરેટર ચર્ચાનો વિષય બને છે.

22015ની અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના 142 અને કોંગ્રેસના 49 કોર્પોરેટર જીત્યા હતા. એક અપક્ષ ઉમેદવાર જીત્યા હતા.

(7:30 pm IST)