Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧પમીએ કચ્છ આવશે

૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક અને માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટના ભૂમિપૂજન કરશે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની જાહેરાત

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હત આગામી તા.૧પ ડિસેમ્બરે કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવશે. 

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આ વિગતો આપતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપણીએ કહ્યું કે, કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વીન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે. 

પ્રધાનમંત્રીશ્રી આ પાર્કના ખાતમૂર્હત ઉપરાંત માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ડિસેલીનેશન પ્લાન્ટ પ્રજા માટે ખેડૂતો, પીવાના પાણી અને ઊદ્યોગો માટે ઉપયોગી થશે. 

દહેજમાં હાલ આવો એક ડિસેલીનેશન પ્લાન્ટ ઊદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસના નવા પ્રકલ્પો-સોપાનો આપણે વડાપ્રધાનશ્રીના હસ્તે શરૂ કરતા જઇએ છીયે. તેમાં સી-પ્લેન, રો-પેક્ષ ફેરી સર્વિસીસ, કેવડીયા ખાતે અનેક નવા પ્રોજેકટસ તેમજ ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના  સંપન્ન થયા બાદ હવે વધુ નવા બે પ્રોજેકટસના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ  મોદીના  હસ્તે ભૂમિપૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

(4:34 pm IST)