Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અમદાવાદમાં ૪૧ વર્ષથી યોજાતા દેશના સૌથી લાંબા શાસ્ત્રીય સંગીત સમારોહ

'સપ્તક'ના સુર ઓનલાઇન ગુંજશે : લાખો શ્રોતાઓને અનોખો લાભ મળશે

અમદાવાદ,તા. ૩: કોરોનાના કારણે દરેક આયોજન ઉપર અસર પડી રહી છે. ત્યારે દેશના સૌથી લાંબા ચાલતા શાસ્ત્રીય સંગીત સમારોહ 'સપ્તક'નું આયોજન પણ આ વર્ષે શ્રોતાઓ વગર ઓનલાઇન જ યોજાશે.

દર વર્ષે ૧ જાન્યુઆરીથી આરંભ થતા સપ્તકના ૪૧ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે સંગીત મર્મજ્ઞ સમક્ષ દર્શકો પ્રત્યક્ષ રૂપે હાજર નહીં હોય. ૧૩ જાન્યુઆરી સુધી વર્ચ્યુઅલ રૂપે આયોજીત થનાર સમારોહમાં આ વર્ષે વિશ્વમંગલની થીમ રાખવામાં આવી છે. કોરોનાને કારણે આ વર્ષે ૩ને બદલે બે બેઠકો જ યોજાશે. રાત્રે ૮:૩૦ થી ૧૧ વાગ્યા સુધી ચાલશે.

સપ્તકના ૩૦ સત્રોમાં ૮૦ થી વધુ સંગીતજ્ઞ, કલાકારો ભાગ લેશે. સપ્તકના આયોજકો તરફથી જણાવાયેલ કે અવિશ્વસનીય પરિસ્થિતી હોવા છતા મહાન સંગીતજ્ઞો, કલાકારોએ આ સમારોહમાં ભાગ લેવાની હામી ભરી છે. સમારોહનું ઓનલાઇન પ્રસારણ કરાશે.

લગભગ દર વર્ષે સપ્તકમાં પ્રસ્તુતી આપનાર મહાન સંગીતજ્ઞ અને મોહન વીણાના પ્રણેતા પંડીત વિશ્વ મોહન ભટ્ટે જણાવેલ કે આ વખતે વિપરીત પરિસ્થિતીઓના કારણે ઓનલાઇન આયોજન કરાયું છે. આ કાળમાં કલાકારની સાથો-સાથ દર્શકો પણ કોઇ ખતરો લેવા માંગતા નથી.

જાણીતા સંગીતજ્ઞ ભાગ લેશે : આ વખત પણ દર વર્ષની જેમ દેશના જાણીતા સંગીતજ્ઞ સપ્તકમાં ભાગ લેશે.જેમાં ડો.એલ સુબ્રમણ્યમ, મોહન વીણાના પ્રણેતા પંડીત, વિશ્વ મોહન ભટ્ટ, મહાન વાંસળી વાદક, પંડિત હરિપ્રસાદ ચૌરસીયા, પંડીત રાજન સાજન મિશ્ર, સુભા મુદગલ, ઉસ્તાદ વસિકુદીન ડાગર, ઉસ્તાદ શુજાત ખાન, ઉસ્તાદ શાહિદ પરવેઝ, પંડીત પૂરન મહારાજ, રાહુલ શર્મા અને કથ્થકના મહારથી પંડીત બીરજુ મહારાજ પ્રસ્તુતી કરશે.

આ વખતે લાખો લોકો જોઇ શકશે : કોરોના કાળમાં કોઇ રિસ્ક નથી લેવા માંગતા -સંગીત તો થવું જોઇએ અને તેને જનતા સુધી પહોંચવું પણ જોઇએ. સંગીત સુગંધની જેમ છે. તેને ફેલાવાનો શોખ છે. હવાઓ સાથે સંબંધ બનાવ્યા વિના આ મુશ્કેલ નથી હોતુ. સપ્તક ૨ હજાર લોકો જોવા -માણવા આવતા પણ આ વર્ષે ઓનલાઇન હોવાથી લાખો લોકો જોઇ શકશે.

-પંડીત વિશ્વ મોહન ભટ્ટ

(પ્રખ્યાત સંગીતજ્ઞ, મોહન વીણાના પ્રણેતા)

(1:41 pm IST)