Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સાવધાન... સ્પેશિયલ બ્રાન્ચના જાસૂસો લગ્ન પ્રસંગને અનુરૂપ પોશાકો પહેરી બાજ નજર રાખશે

નેતાઓની નાદાની અંગેની હાઇકોર્ટની ટકોરના પગલે ગુજરાતમાં અમદાવાદથી વિશેષ એકશન પ્લાનની અમલવારીની જવાબદારી સીપી સંજય શ્રીવાસ્તવ દ્વારા એડિશનલ સીપી પ્રેમવીરસિંહને સુપ્રત : માસ્ક વગર નીકળી બીજાને કોરોનાની ભેટ આપતા લોકોને ઝડપી પાડવા ૫૦ પોલીસ મથકનું વોટ્સઅપ ગ્રુપ રેડી, ફોટો પાડી લોકેશન સાથે સેન્ડ થતાં નજીકની પોલીસ મથક અગર ચોકીની ટીમ દોડી આવી પગલા ભરશે : સફળતા મળ્યે રાજ્યવ્યાપી અમલના પ્રયોગનો પ્રારંભ

રાજકોટ તા. ૩ : કોરોના મહામારીનો વ્યાપ વધતા અને હવે હાઈકોર્ટ દ્વારા પણ આવા મામલે કડક પગલા લેવાની ટકોર સાથો સાથ પોતાની પૌત્રીની સગાઈ પ્રસંગે હજારો લોકોની મેદની એકઠી કરનાર બીજેપીના સાઉથ ગુજરાતના મોટા નેતા કાંતિભાઈ ગામિતના મામલે પણ હાઈકોર્ટે સરકારને ખખડાવતા હવે પોલીસ તંત્ર કડક પગલા લેવા એકશન પ્લાનનો અમદાવાદથી પ્રારંભ થયો છે.

 સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ હવે લગ્ન પ્રસંગે નિયત કરેલ સંખ્યા મુજબ જ હાજરી છે કે પછી એક યા બીજી રીતે તરકીબો અજમાવી નિયમ ભંગ થાય છે તે જોવાની જવાબદારી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા એડિશનલ પોલીસ કમિશનર સ્પેશિયલ બ્રાન્ચ પ્રેમવીર સિંહને સુપરત થયાનું ટોચના સૂત્રો જણાવે છે.

સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા આવા લગ્નો પ્રસંગે લગ્નને અનુરૂપ પોષાક ધારણ કરી કેટરિંગ વ્યવસ્થાની ચકાસણી કેટલી વ્યકિતઓ માટે રસોઈ તૈયાર થાય છે. મીઠાઈવાળાની પૂછપરછ સાથે અન્યો જે ખાસ વાનગી બનાવે છે ત્યાં સુધી સ્પેશિયલ બ્રાન્ચના જાસૂસો તપાસ કરશે તેવું સૂત્રો જણાવે છે.                

સૂત્રોમાંથી વિશેષમાં સાપડતા અહેવાલો મુજબ સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ દ્વારા સ્પેશ્યલ એકશન પ્લાન ભાગરૂપે ૫૦ પોલીસ મથકો બ્રાન્ચ સહિતનું વિશાળ વોટસએપ ગ્રુપ બન્યું છે. આ ગ્રુપ દ્વારા અનોખી રીતે માસ્ક વગર ફરી અન્યોને કોરોનાની ભેટ આપતા લોકોના ફોટાઓ સ્પેશિયલ બ્રાન્ચના જાસૂસો દ્વારા પાડી જેતે પોલીસ મથકને પરફેકટ લોકેશન સાથે મોકલતા તુરંત જ નજીકના પોલીસ મથકો કે ચોકીઓને સંદેશ મળતા જ તાકીદે આવા માસ્ક વગરના લોકોને ઝડપી લેવામાં આવશે.      

સુત્રોમાંથી સાપડતાં નિર્દેશો મુજબ અમદાવાદથી શરૂ થયેલ આ પ્રયોગનેરાજય વ્યાપી બનાવવાની વિચારણા સાથે સ્ટેટ આઇબી સાથે સંકલન સાધી વિવિધ યુનિટની મદદ લેવાની વિચારણા ચાલી રહી છે.

સમગ્ર પ્રોજેકટ અંગે સતાવાર રીતે કોઈ કઈ કહેવા તૈયાર નથી પરંતુ ખાનગીમાં ભારે ધમધમાટ ચાલી રહ્યાનું પણ સૂત્રો વિશેષમાં જણાવે છે.

(1:40 pm IST)