Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ડેકોરેટર્સ - કેટરર્સ સહિતના ધંધાર્થીઓને ફટકો

કોરોનાના નિયંત્રણોને કારણે લોકો પાર્ટી પ્લોટને બદલે ઘરે કે સોસાયટીના કોમન પ્લોટમાં લગ્ન ગોઠવવા લાગ્યા

અમદાવાદ તા. ૩ : દિવાળી બાદ રાજયમાં વધેલા કોરોનાના કેસને જોતા ગુજરાતના ચાર મહાનગરો-અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કફર્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ સિવાય રાજય સરકારે લગ્નપ્રસંગમાં મહેમાનોની સંખ્યા ઘટાડીને ૧૦૦ કરી દીધી છે. જેના કારણે કેટલાક ધંધાઓને નુકસાન વેઠવું પડી રહ્યું છે. બુકિંગ કેન્સલ થવાના કારણે ડેકોરેટર્સ, કેટરર્સ, લાઈટિંગ અને મંડપ સર્વિસ સહિતના ધંધાઓને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઈન્ડસ્ટ્રીના અંદાજ મુજબ, એકલા અમદાવાદમાં ઓછામાં ઓછા ૪ હજાર જેટલા લગ્નો જોવા મળ્યા છે અને આગામી ૧૦-૧૨ દિવસોમાં ૫ હજાર જેટલા લગ્ન છે. જેમાંથી મોટાભાગના લોકોએ પાર્ટી પ્લોટના બદલે ઘરે અથવા સોસાયટીના કોમન પ્લોટમાં લગ્ન કરવાનું પસંદ કરતા, બેન્ડ મ્યૂઝિશિયન, ડેકોરેટર્સ, કેટરર્સ જેવા નાના ધંધાદારીઓ વ્યવસાય ગુમાવી રહ્યા છે.

શહેરમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા પિંટુ દંડાવાલાએ કહ્યું કે, 'ડેકોરેશનના અમારા ઓછામાં ઓછા ૯૫ ટકા ઓર્ડર કેન્સલ થયા છે. કારણ કે, લગ્નસ્થળ હવે પાર્ટીપ્લોટ અને બેંકવેટથી ઘરે શિફટ થયું છે. કોરોના મહામારીની બીજી લહેરને જોતાં લોકો વધુ સાવચેત થઈ ગયા છે અને તેમણે પ્રસંગોને આવતા વર્ષના નવેમ્બર સુધી મુલતવી રાખ્યા છે. આ સિવાય લગ્નપ્રસંગમાં મહેમાનોની સંખ્યા ઘટાડી દીધી છે. ૫૦ મહેમાનો માટે પાર્ટી પ્લોટ ભાડે રાખવો પોસાય નહીં. આ તમામ બાબતનો અર્થ એ થયો કે અમે આખી સીઝનનો ધંધો ગુમાવી બેઠા છીએ.'

ઘણા બધા મ્યૂઝિશિયનો પહેલાથી જ આવકના બીજા  સ્ત્રોત તરફ વળી ગયા છે. 'મોટાભાગના લગ્નો કે જે રાતના સમયે ગોઠવવામાં આવ્યા હતા તે હવે સવારે કરી દેવામાં આવ્યા છે', તેમ કુણાલ દેસાઈ નામના પંડિતે જણાવ્યું. 'હું ત્રણ લગ્નમાં વિધિ કરાવવા માટે જવાનો હતો. જેમાંથી એક લગ્નમાં કે જયાં હું જવાનો હતો ત્યાં કન્યા સહિત પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેના કારણે તેમણે લગ્ન રદ્દ કરવા પડ્યા.'

શહેરના રહેવાસી યજ્ઞેશ પંડ્યા, કે જેમની દીકરીના લગ્ન ૭મી ડિસેમ્બરે થવાના છે, તેમણે હવે ઘરે જ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. 'અમે ૨૦૦ મહેમાનોને બોલાવવાના હતા, પરંતુ હવે તેમાંથી માત્ર ૫૦ને જ બોલાવવાના છીએ. જેના કારણે અમે ઘરે લગ્ન ગોઠવ્યા છે. આટલા ઓછા મહેમાનો માટે પાર્ટી પ્લોટનું ભાડું પોસાય નહીં. આ સિવાય ઘરે લગ્ન હોય તો મહેમાનોની પણ સલામતી રહે', તેમ પંડ્યાએ કહ્યું.

ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ જણાવ્યું કે, ૧૦મી ડિસેમ્બરથી લઈને ઉત્તરાયણ સુધી કોઈ લગ્ન થઈ શકશે નહીં, કારણે આ મહિનાના મધ્યમાં કમુરતા બેસી જશે. જે લગ્ન માટે અશુભ માનવામાં આવે છે. કેટરર હેમેન્દ્ર બગડીએ કહ્યું કે, 'ધંધાનો મોટો ફટકો પડ્યો છે. મોટાભાગના ઓર્ડર રદ્દ કરવામાં આવ્યા છે. અમને થોડા જ કન્ફર્મ કેટરિંગ ઓર્ડર મળ્યા છે'.

(11:29 am IST)