Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

રોજગારીને મુદ્દે બેન્ડ, બગી, ઝુમ્મર અને ડી.જે.વાળાએ વરઘોડો કાઢયો

લગ્ન સહિતના પ્રસંગોમાં મર્યાદિત વ્યકિત ઉપરાંત મંજૂરી આપો : બેન્ડ, ડીજે અને બગીની પરવાનગી આપવા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું

સુરત તા. ૨ : કોરોનાની મહામારી વચ્ચે સરકારની ગાઇડલાઇનને કારણે રોજગારી ગુમાવી ચૂકેલા બેન્ડ-વાજા, બગી, ઝુમ્મર અને ડી.જે વાળાઓએ કલેકટર કચેરી સુધી વરઘાડો કાઢી પરવાનગી આપવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. માર્ચ મહિનાથી રોજગારી છિનવાઈ જતાં બગીવાળાઓએ મૂંગા પશુઓની સાથે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. સિઝનલ ધંધા સાથે સંકળાયેલા બેન્ડવાજા, બગી અને ડીજેવાળાઓની પરિસ્થિતિ દિનપ્રતિદિન કઠળી રહી છે. ત્યારે મર્યાદિત વ્યકિતઓની સાથે બેન્ડ, બગી, ઝુમ્મર અને ડીજેવાળાઓના પણ પરવાનગી આપવા કલેકટરને રજૂઆત કરાઇ છે.

કાતિલ કોરોના વચ્ચે ૧૦૦ વ્યકિતઓની હાજર વચ્ચે લગ્ન યોજવા સરકારે લીલીઝંડી આપી છે. કોરોનાને લીધે ગત ઉનાળું સિઝનમાં મોટાભાગના લગ્નો ૨દ થયાં હતા. હવે દેવઊઠી એકાદશી બાદ ખૂબ જ ઓછા મૂહૂર્ત વચ્ચે લગ્નોની ભરમાર જોવા મળી રહી છે. પરંતુ દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળતાં સરકારે મર્યાદિત વ્યકિતઓ અને રાત્રી લગ્ન પર પ્રતિબંધ મૂકી છે. એટલું જ નહીં ડીજે કે બેન્ડવાજા માટે પણ પરવાનગી લેવી આવશ્યક કરી દેવાયું છે. જોકે, હાલની પરિસ્થિતિને ધ્યાને લેતાં તંત્ર દ્વારા બેન્ડ-વાજાની પરવાનગી આપવામાં આવતી નથી. બીજી તરફ ૧૪મી ડિસેમ્બરે કમૂરતાનો આરંભ થતાં એક મહિના માટે લગ્ન પર બ્રેક લાગી જશે. આવી પરિસ્થિતિ વચ્ચે બેન્ડ, બગી, ઝુમ્મર, અને ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોને રોજગારી મળી રહી તે માટે પરવાનગી આપવા મુદે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. બેન્જવાજા વાળા ડ્રેસ અને વાજિંત્રો સાથે જયારે બગીવાળા ઘોડા અને બગી સાથે કલેકટર કચેરી પહોંચ્યા હતા. તેમજ મર્યાદિત વ્યકિતઓ સાથે બેન્ડ, બગી, ઝુમ્મર અને ડીજે વાળાઓને પણ મંજૂરી આપવા રજૂઆત કરી હતી. છેલ્લા આઠ મહિનાથી બેરોજગાર બેસેલા આ બેન્ડ, ઝુમ્મર અને ડી.જે વાળાઓને રોજગારી મળે તે માટે મર્યાદિત વ્યકિતઓ સાથે મંજૂરી આપવા કલેકટરને રજૂઆત કરી હતી.

(11:28 am IST)