Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કોરોનાથી 43.9 ટકા લોકો તણાવ, 39.6 ટકા ગુસ્સાથી અને 42.9 ટકા ઉદાસીનતાથી પીડિત : જીટીયુનો સર્વે

''કોવિડ-19થી થયેલ માનસિક અસર” વિષય પર સર્વે કરાયો: 16 થી 60 વર્ષના જુદા-જુદા 5 વયજૂથના 2050થી વધારે લોકો પર સર્વે :સતત 3 મહિના સુધી રાજ્યના 33 જિલ્લાઓમાં 100 યુનિટના 3500 વિદ્યાર્થીઓએ કર્યો ડીજીટલ સર્વે

અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) સંચાલિત એન.એસ.એસ. વિભાગ દ્વારા વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિની થયેલ સામાજિક , આર્થિક અને માનસિક અસર સંદર્ભે ડિજીટલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 43.9% લોકો તણાવમાં આવ્યા હતા. જ્યારે 5.7% લોકો આજદિન સુધી પણ તેમાંથી બહાર આવી શક્યા નથી. તણાવ બાબતે 41.5 % લોકોને કોઈ પણ પ્રકારની અસર થયેલ જોવા મળી ન હતી.

 જીટીયુ એનએસએસના સ્વયંસેવકો દ્વારા સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી 3 મહિના માટે સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં 100 યુનિટના 3500 વિદ્યાર્થીઓએ કોવિડ-19ની પરિસ્થિતિને કારણોસર લોકોમાં જોવા મળેલ તણાવ, અનિંદ્રા, ગુસ્સો આવવો , ઉદાસીનતા , વ્યક્તિગત સમસ્યાના ઉકેલ માટે આત્મવિશ્વાસની સક્ષમતા જેવા વિવિધ મુદ્દાઓને સાંકળીને વર્તમાન પરિસ્થિતિને કારણે આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર થયેલ અસર બાબતે ડિજીટલ સર્વે કર્યો હતો. અચાનક આવી પડેલ આ વિકટ પરિસ્થિતિને કારણે 43.9% લોકો તણાવમાં આવી ગયા હતા. જ્યારે 5.7% લોકો આજદિન સુધી પણ તેમાંથી બહાર આવી શક્યા નથી. તણાવ બાબતે 41.5 % લોકોને કોઈ પણ પ્રકારની અસર થયેલ જોવા મળી ન હતી.

  અપૂરતી ઉંઘની સમસ્યામાં 43.9% લોકોને કોઈ સમસ્યા નડી નથી, પરંતુ 36.9% લોકો આ સમસ્યાથી પીડાયા હતાં. જ્યારે 5.5% લોકો હાલના સમયે પણ આ સમસ્યાથી પિડાઈ રહ્યા છે. 36.2% લોકો આ પરિસ્થિતિના કારણોસર ચિંતા અનુભવી રહ્યા હતાં. જ્યારે 7% લોકો આજે પણ ચિંતા અનુભવી રહ્યા છે

  સૌથી વધુ માનસિક અસર બાબતે વ્યક્તિમાં ગુસ્સો અને ઉદાસીનતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. જેમાં ગુસ્સો અને ઉદાસીનતા બાબતે અનુક્રમે 39.6% અને 42.9%નું પ્રમાણ જોવા મળ્યું હતું . જ્યારે 12.7% લોકો ગુસ્સો અને 11.4% લોકો ઉદાસીનતા અનુભવી રહ્યા છે. 10% લોકો હાલના સમયે પણ કોવીડ-19થી ગભરાયેલા છે. જ્યારે 38.1% લોકો કોવિડ-19ની પરિસ્થિતીમાં ગભરાયેલા જોવા મળ્યા હતાં

 .કોવિડ૧૯ની પરિસ્થિતિમાં વ્યક્તિગત સમસ્યાના ઉકેલ માટે આત્મવિશ્વાસની સક્ષમતા બાબતે 41.4% લોકોએ હકારાત્મકતા દર્શાવી હતી. જ્યારે 15.5% લોકો તે માટે અસમર્થ હતાં. સમગ્ર કોવિડ ૧૯ની પરિસ્થિતિને કારણે આરોગ્ય અને માનસિક અસર બાબતે 25.5 % લોકો હાલ પણ અસરગ્રસ્ત છે. જ્યારે 35% લોકો અસરગ્રસ્ત થયા હતાં.

 જીટીયુ એન.એસ.એસના સ્વયંસેવકો દ્વારા સમગ્ર રાજ્યમાંથી 5 વયજૂથની કેટેગરીમાં 2050 કરતા વધારે લોકો પર સર્વે કરાયો હતો. જેમાં 1405 પુરુષ અને 645થી વધુ મહિલાઓ હતી. 16-20 વર્ષની વયજૂથમાં સર્વાધિક 1300 લોકો જોડાયા હતા. જ્યારે 21−30 વર્ષની વયજૂથમાં 561 , 31 − 40 વર્ષની વયજૂથમાં 140 , 41-50 વર્ષની વયજૂથમાં 39 લોકો અને 51-60 વર્ષની વયજૂથના 10 લોકોએ આ સર્વેમાં ભાગ લીધો હતો.

 આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ વિવિધ રીતે સમાજ ઉપયોગી કાર્યો કરવામાં અગ્રેસર રહે છે. એનએનએસ વિભાગ દ્વારા સમાજને મદદરૂપ થવા માટે આ સર્વે કરવામાં આવેલ છે. જેનાથી લોકોમાં કોરોના સંદર્ભે જાગૃત્તિ આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ લોકોને જાગૃત થઈને કોરોના સંક્રમણને અટકાવવા અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટેની અપીલ કરી હતી.

 સમાજ ઉપયોગી આ સર્વેના સફળતાપૂર્વક આયોજન બદલ જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જીટીયુ એનએસએસ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ. અલ્પેશ દાફડા અને સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનયરિંગના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ભરત વાઢિયાને અભિનંદન પાઠવ્યા હતા.

(9:41 am IST)