Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

રાજ્યમાં શિક્ષકોની બદલી સ્થાનિક કક્ષાએથી રદ કે સ્થગિત કરી શકાશે નહીં : શિક્ષણ વિભાગ

બીએલઓની કામગીરી કરતા શિક્ષકોના બદલીના હુકમોનું 15 જાન્યુઆરી સુધી અમલ નહીં કરાય

અમદાવાદ: રાજ્યમાં હાલમાં ચાલતી શિક્ષકોની વિવિધ બદલીઓ સ્થાનિક કક્ષાએથી રદ કે સ્થગિત કરી શકાશે નહીં તેવી સ્પષ્ટતા શિક્ષણ વિભાગે કરી છે. શિક્ષણ વિભાગે આ અંગે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખી બદલી માટેની સૂચનાઓ સરકારની મંજૂરીથી આપવામાં આવી હોવાથી સ્થાનિક કક્ષાએ રદ કે સ્થગિત નહીં કરવા તાકીદ કરી છે. આ ઉપરાંત હાલમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલતી હોવાથી બૂથ લેવલ ઓફિસર તરીકે કામગીરી સોંપી હોય તેવા શિક્ષકોના કિસ્સામાં 15 જાન્યુઆરી, 2021 સુધી બદલીના હુકમોનું અમલીકરણ કરવાનું રહેશે નહીં તેમ પણ જણાવ્યું છે

રાજ્યના શિક્ષણ વિભાગે 21 ઓક્ટોબરના રોજ પત્ર દ્વારા 31 ઓગસ્ટ, 2020ના સેટ અપ મુજબ રાજ્યમાં બદલી કેમ્પનું આયોજન કરવા માટે સૂચના આપી હતી. આ માટે રાજ્ય સરકાર તરફથી પણ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બદલી કેમ્પમાં જે ક્રમ નક્કી કરાયો હતો તે મુજબ સૌપ્રથમ વધ-ઘટ બદલી કેમ્પ ત્યાર બાદ જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પ, જિલ્લા ફેરબદલી કેમ્પ, જિલ્લા આંતરિક અરસ-પરસ બદલી કેમ્પ અને જિલ્લા ફેર અરસ-પરસ બદલી કેમ્પ નક્કી કરવામાં આવ્યો હતTransfer

સરકારની સૂચના અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બદલી કેમ્પ અંગેની કામગીરી શરૂ કરાઇ હતી અને હાલમાં પણ આ કામગીરી પ્રગતિમાં હોવાનું જાણવા મળે છે. બદલી માટેની સૂચનાઓ રાજ્ય સરકારની મંજૂરીથી આપવામાં આવેલી હોવાથી સ્થાનિક કક્ષાએ બદલી કેમ્પ રદ કરવા કે મોકૂફ રાખવાની સૂચના આપી શકાશે નહીં તેવી સ્પષ્ટતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી

આ અંગે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને પત્ર લખીને તમામ અધિકારીઓને આ અંગેની સૂચના આપવા જણાવ્યું છે. ઉપરાંત હાલમાં રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી પણ ચાલી રહી છે. જેથી રાજ્યની જે પણ સ્કૂલના પ્રાથમિક શિક્ષકોને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સુપ્રત કરવામાં આવેલી છે તેવા શિક્ષકોના કિસ્સામાં 15 જાન્યુઆરી, 2021 સુધી બદલીના હુકમોનું અમલીકરણ કરવાનું રહેશે નહીં. રાજ્યમાં બદલી અંગેની સરકાર તરફથી સૂચના મળ્યા બાદ ઘણા જિલ્લાઓએ બદલી મોકુફ રાખવા અંગે રજૂઆત કરી હતી. ઉપરાંત કોરોના મહામારીમાં આ કામગીરી રદ કરવામાં આવે તેવી પણ રજૂઆતો થઈ હતી. જોકે, સરકારે આ અંગેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાથી સ્થાનિક કક્ષાએ બદલીઓ રદ કે સ્થગિત કરી શકાય નહીં તેવી સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.

(11:15 pm IST)