Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

તુલસી વિવાહમાં મોટી જનમેદની ભેગી કરનારા માજી મંત્રી પુત્ર જીતુ ગામિત વિરૂદ્ધ ગુનો દાખલ

સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને આખી ઘટનાને ગંભીરતાથી લઇ કાર્યક્રમમાં હાજરી આપનારા તાપી જિલ્લાના પીઆઇ સી. કે. ચૌધરીને સસ્પેન્ડ કર્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : હાલ કોરોનાની મહામારીને લઇ સરકાર સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલનની વાત કરી રહી છે. સરકાર દ્વારા અનેક કાર્યક્રમો મર્યાદિત વ્યક્તિઓ સાથે કરવાની ગાઇડલાઇન બહાર પડાઇ છે, છતાં સરકારની ગાઇડલાઇનને ફગાવી તાપી જિલ્લામાં માજી મંત્રીના પુત્ર જીતુ ગામિતે તુલસી વિવાહના નામે મોટી જનમેદની એકત્ર થઇ હતી. આ ઘટનામાં સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને ગંભીરતા દાખવી આયોજક સામે ગુનો દાખલ કરાવ્યો છે અને કાર્યક્રમમાં હાજર રહેલા પીઆઇ અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.
ગુજરાતના માજી મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં ગત 30મી નવેમ્બરના રોજ ડોસવાડા ના ભગત ફળિયામાં યોજાયેલા તુલસી વિવાહ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આવા પ્રસંગે માત્ર 100 લોકોની હાજરીની જ પરવાનગી હોવા છતાં મંત્રીના પુત્ર જીતુ ગામિતે 2 હજારથી વધુ લોકોને આમંત્રણ પાઠવ્યું હતુ અને પ્રંસગમાં તેનાથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. આ વિડિયો વાઇરલ થયા બાદ સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને ઘટનાને ગંભીરતાથી લઇ મંત્રી પુત્ર વિરૂદ્દ ઇપીકો કલમ 308 મુજબ ગુનો દાખલ કરવાની સૂચના આપતાં તેની વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તાપીના પીઆઇ સી. કે. ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહને રેન્જ આઇજીએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. જેને લઇ પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.

(9:54 pm IST)