Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કોરોનાના સંક્રમણને રોકવા અને નાગરિકોને સારવાર પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા

રાજ્યના સરકારના જનહિતલક્ષી નિર્ણયો અને પ્રજાકીય અપ્રતિમ સહયોગના પરિણામે કોવિડ-૧૯નું સંક્રમણ નિયંત્રિત કરી શકાયું: રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર ૧.૯૦ ટકા, રીકવરી રેટ ૯૧.૦૬ ટકા તથા ટેસ્ટીંગમાં પોઝીટીવીટી રેટ ૧૬.૧૫ ટકા હતો તે ઉત્તરોત્તર ઘટીને ૨.૬૮ ટકા જેટલો નોંધાયો: કોવિડ - ૧૯ હોસ્પિટલમાં બનેલી આગની દુઃખદ ઘટનાઓમાં ન્યાયિક તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ તપાસ પંચની રચના કરાઇ

અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને માનવીના મહામૂલા જીવનને બચાવવા માટે સમયબધ્ધ આયોજન કર્યું. રાજ્ય સરકારના દ્રિર્ધદ્રષ્ટીપૂર્ણ આયોજનના પરિણામે રાજયમાં આજે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું આપણે અટકાવી શક્યા છીએ. તેમાં નાગરિકોનો પણ અપ્રતિમ સહયોગ સાંપડ્યો છે. તેવો જ સહયોગ આગામી સમયમાં પણ મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યારથી કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલના અધ્યક્ષ પદે કોર કમિટીની રચના કરીને દરરોજ ચર્ચા-વિચારણા બાદ સંક્રમણને રોકવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા જેના કારણે આ સફળતા મળી છે.
તેમણે ઉમેર્યું કે,  રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લેવાઇ રહેલ પગલાઓના પરિણામે રાજ્યમાં મૃત્યુદર ૧.૯૦ ટકા,  રીકવરી રેટ ૯૧.૦૬ ટકા રહેવા પામ્યો છે. એ જ રીતે રાજ્યમાં કોરોનાના ટેસ્ટીંગ કરવામાં આવે છે તેમાં પોઝીટીવીટી રેટ ૧૩મી ઓગષ્ટના રોજ ૧૬.૧૫ ટકા હતો જે ઘટીને તા. ૧લી ડિસેમ્બરના રોજ ૨.૬૮ ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં હાલ ૧૪,૮૮૫ એક્ટીવ દર્દીઓ છે. તેમજ રાજ્યોમાં ૭૦૦ સ્થળો પર  ૫૦,૩૮૬ બેડની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓને સત્વરે નજીકના સ્થળે સારવાર મળી રહે તે માટે તમામ જિલ્લા મથકોએ કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પીટલો કાર્યરત કરી દેવાઇ છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં દિવાળી તહેવાર દરમ્યાન કોવીડ-૧૯ના કેસોની સંખ્યામાં વધારો જણાતા રાજ્ય સરકારે સંક્રમણને અટકાવવા માટે રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો અમલ શરૂ કરાયો. સાથે-સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ પગલાઓ  લેવાયા. એટલું જ નહી નાગરિકોની સુરક્ષા માટે અને તેઓને સંક્રમણથી બચાવવા માટે રાજ્ય સરકારે જરૂરી પગલા લીધા છે, અને આગામી દિવસોમાં જરૂર પડશે તો વધુ કડક પગલા પણ લઇશું. 
તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧,૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આઈ.સી.યુ. માં ૧૬૦ બેડનો વધારો કરવામાં આવેલ છે. તદ્દઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૫૦ બેડ, કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ ખાતે ૧૬૮ બેડ અને ઈ.એસ.આઈ.સી. બાપુનગર ખાતે ૨૫૦ બેડ એમ કુલ-૭૨૮ બેડનો વધારો કરવામાં આવેલ.
  મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે દૈનિક ટેસ્ટની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોવીડ-૧૯ની RT-PCR ટેસ્ટીંગ કીટના ભાવમાં ઘટાડો થતા સામાન્ય જનતાને આ ભાવ ઘટાડાનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવતા ટેસ્ટના ચાર્જમાં રૂ.૧૫૦૦/- પ્રતિ ટેસ્ટથી ઘટાડો કરી રૂ.૮૦૦/- પ્રતિ ટેસ્ટ અને જો ઘરેથી કલેક્શન કરવામાં આવે તો રૂ.૧૧૦૦/- પ્રતિ ટેસ્ટ કરવામાં આવે છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત અનલોક સંદર્ભે જે ગાઇડલાઇન નિયત કરાઇ છે તે મુજબ રાજ્ય સરકારે SOP બનાવીને તેનો ચુસ્તપણે અમલ પણ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં યોજાતા લગ્ન તથા અન્ય સમારંભોમાં પણ કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકારે ચોક્કસ દિશા-નિર્દેશો સાથે SOP તૈયાર કરીને રાજ્યમાં અમલી બનાવી છે.  રાજ્ય સરકારે લગ્ન અને સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ખુલ્લા અને બંધ સ્થળોએ સમારંભ સ્થળની ક્ષમતાના ૫૦% પરંતુ ૧૦૦ વ્યકિતની મર્યાદામાં આયોજન કરવા મંજુરી આપેલ છે. લગ્ન અને સત્કાર સમારંભો સામાજિક પ્રસંગો છે,  જે લગભગ ત્રણ થી  પાંચ કલાક જેટલા ચાલતા હોય છે. આવા પ્રસંગોએ ભોજન તથા ચા-નાસ્તાની વ્યવસ્થા અલગ સ્થળ/હોલ ખાતે કરવા સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ સમય દરમિયાન લોકો એકત્ર થવાથી સંક્રમણ વધે નહી તે આશયથી નિર્ણય લીધો છે. મૃત્યુના કિસ્સામાં અંતિમક્રિયા/ધાર્મિક વિધીમાં ૫૦ વ્યકિતની મર્યાદા નિયત કરવામાં આવી છે.  આવા તમામ પ્રસંગોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ, ચહેરો ઉચિત રીતે ઢાંક્વો તથા સેનેટાઇઝરના ઉપયોગ સહિતના તમામ પ્રોટોકોલનો ચુસ્તપણે અમલ થાય તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે. બંધ સ્થળોએ જયારે લગ્ન સિવાયના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે ત્યારે સ્થળની ક્ષમતાના ૫૦% પરંતુ ૨૦૦ વ્યકિતની મર્યાદામાં આવુ આયોજન થાય તેવી વ્યવસ્થા અમલમાં છે. કેન્દ્ર સરકારે પણ બંધ સ્થળોએ કાર્યક્રમના આયોજન માટે ક્ષમતાના ૫૦% અને ૨૦૦ વ્યકિતની મર્યાદા નિયત કરેલ છે.
  મંત્રીએ ઉમેર્યું કે, વડોદરા ખાતે મહાનગર પાલિકાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં ૧૨૮ લોકો હાજર રહ્યા હતાં. તે સંદર્ભે સ્પષ્ટતા કરતાં જણાવ્યુ હતુ કે, વડોદરાના નગરપાલિકાના હોલની કેપેસીટી ૧૨૦૦ વ્યકિતોની હતી તે સંદર્ભે ૧૨૮ લોકો હાજર હતા તે કોરોનાની ગાઇડલાઇન મુજબ યોગ્ય છે.
  મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજકોટની ઉદય શિવાનંદ આશ્રમ સંચાલિત હોસ્પિટલ ખાતે લાગેલી આગના બનાવ સંદર્ભે રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતા વ્યક્ત કરી આ દુઃખદ ઘટના અન્વયે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બનાવના સમાચાર મળતાની સાથે જિલ્લા કલેક્ટર, મ્યુ. કમિશ્નર, પોલીસ કમિશ્નરને અને મુખ્ય સચિવને સૂચના આપીને ઘટનાના સ્થળે સત્વરે લોકોને સહાય પૂરી પાડવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ માટે પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને તાત્કાલિક રાજકોટ જવા રવાના કરીને ઘટનાના મૂળ સુધી જવા સૂચનાઓ આપી હતી. ઘટનાની ઝીણવટભરી અને તલસ્પર્શી તપાસ થાય તે માટે રાજકોટ શહેરના DCPના અધ્યક્ષસ્થાને SITની રચના કરવાનો નિર્ણય કર્યો છે. તથા ઘટનાના મૂળ સુધી જવા અને તલસ્પર્શી તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જજ શ્રી ડી.એ. મહેતાના અધ્યક્ષે તપાસ પંચની રચના પણ સરકારે કરી છે. આ આગની ઘટના કેવી રીતે બની? ફાયર સેફ્ટી મેઝર્સ યોગ્ય હતા કે કેમ? કોઇની બેદરકારી હતી કે કેમ? તેની તપાસ કરી આગામી સમયમાં કેવા સુધારાઓ થઇ શકે તે અંગે આ તપાસ પંચ સૂચનો કરશે. આ તપાસ પંચ આગામી ૩ માસમાં તેનો રીપોર્ટ રાજ્ય સરકારને સબમીટ કરશે. આ ઘટના સંદર્ભે  IPC કલમ 304, 114 અંતર્ગત પાંચ આરોપીઓ સામે FIR દાખલ કરી તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
   મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલ ખાતે તા. ૮ ઓગષ્ટના રોજ લાગેલી આગની ઘટનાની ઝીણવટભરી તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ગુજરાત  હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે. એ. પૂંજના અધ્યક્ષ પદે તપાસ પંચની રચના કરવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે IPC કલમ 304A, 336, 337, 338 અંતર્ગત ૩ વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે. તપાસની કાર્યવાહી ચાલુ હોઇ, તપાસ પંચની મુદતમાં પણ ૬ મહિનાનો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 
તેમણે ઉમેર્યું કે, તાપી ખાતે પૂર્વ મંત્રી કાંતિભાઇ ગામીતના ઘરે સમાજીક પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવો વિડીયો વાયરલ થતા ઘટનાની સંવેદનશીલતા ધ્યાને લઇને રાજ્ય સરકારે સંબંધિત જિલ્લા તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પરિણામે FIR નોંધવામાં આવી છે. જેમાં શ્રી કાંતિભાઇ ગામીત સહિત અન્ય ૧૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને સોનગઢના PI સી.કે. ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
 પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે કોર્ટ દ્વારા જે દિશા-નિર્દશો આપવામાં આવે છે તેનો રાજ્ય સરકાર ચુસ્તપણે અમલ કરે છે. નામદાર હાઇકોર્ટ અને નામદાર સુપ્રિમ કોર્ટમાં રીટ પીટીશન થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અને દર્દીઓને સારવાર પૂરી પાડવા માટે તથા લો-એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી હોય તેનો સંપૂર્ણ રીપોર્ટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે, કોર્ટ દ્વારા રાજ્ય સરકારને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જે દિશા-નિર્દેશો કરાયા છે તેનો રાજ્ય સરકાર સંપૂર્ણ અમલ કરી રહી છે. કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને અપાતી સારવારની સુવિધા માટે સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે. તથા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એટેન્ડ કરવા માટે અલગ બેઠક વ્યવસ્થા તેમજ દર્દીઓ માટે હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નિષ્ણાંત તજજ્ઞો દ્વારા દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે ૧૧ સભ્યોની તજજ્ઞો- નિષ્ણાંત તબીબોની સ્ટેટ લેવલે એસ્કપર્ટ કમિટીની રચના કરવામાં આવી છે. એ જ રીતે જિલ્લા કક્ષાએ પણ ૮ સભ્યોની ટીમ કાર્યરત કરવામાં આવી છે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટીંગની ક્ષમતામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ૪૫ સરકારી અને ૩૮ ખાનગી લેબોરેટરીને RT-PCR ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. ઉપરાંત રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાની વ્યવસ્થા હાલ CHC, PHC, હેલ્થ અને વેલનેસ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર તેમજ વોક-ઇન-ટેસ્ટીંગ કીયોસ્ક જેવા સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાઇવે ઉપર આવતા યાત્રીઓના ટેસ્ટીંગની સુવિધા, રેલ્વે મારફતે આવતા યાત્રીઓની ટેસ્ટીંગની સુવિધા તેમજ કોમર્શીયલ બિલ્ડીંગમાં પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દિવાળીના શોપીંગના ઘસારાને ધ્યાને રાખીને અમદાવાદ શહેરમાં વિવિધ સ્ટોરના ૧૦ હજાર થી વધુ સુપર સ્પ્રેડરના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, હાઇકોર્ટ દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવા અંગેના જે દિશા-નિર્દેશો કરવામાં આવ્યા છે. તે સંદર્ભે આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષે મળનાર કોર કમિટીની બેઠકમાં યોગ્ય ચર્ચા-વિચારણા કરાયા બાદ યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.

(8:48 pm IST)