Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જળ હૈ તો જીવન હૈ” પાણીને પારસમણી સમજી ઉપયોગ કરીએ : ઊર્જાની જેમ પાણી ક્ષેત્રે ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવીએ

ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના ૩૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે જલ સંરક્ષણ જાગૃતિ અભિયાન અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો ઇ-શુભારંભ કરાયો:વડોદરાની સરકારી શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગનો સફળ પ્રયોગ : પાણી, પર્યાવરણ અને પ્રકાશને જીવંત બનાવવા યુવાનોને અનુરોધ કરતા મુખ્યમંત્રી રૂપાણી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશના સ્થાપક વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીને તેમના ૩૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે, વૈષ્ણવ સંપ્રદાયની આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને ધર્મ, સંસ્કૃતિ, પરંપરાઓ, જનસેવા, સમાજસેવા, રાષ્ટ્રસેવા અને સંસ્કૃતિનું જતન કરીને દેશના યુવાનોને પ્રેરિત કરી રાષ્ટ્રસેવામાં જોડ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના ૩૫માં જન્મદિવસની વડોદરા ખાતે ઉજવણી નિમિત્તે જલ સંરક્ષણ જાગૃતિ અભિયાન અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો ગાંધીનગરથી મંગલ ઇ-શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ શ્રી વ્રજરાજકુમારજીના ૩૫માં જન્મદિવસ નિમિત્તે આમંત્રણ આપવા બદલ શ્રી વૈષ્ણવાચાર્યનો આભાર માનતાં કહ્યું હતું કે, યુવાનો તેમના જન્મદિવસની ઉજવણી ભારતીય પરંપરા-સંસ્કૃતિ મુજબ દિવો પ્રગટાવી સાથિયો દોરીને કરે તે જરૂરી છે. વેસ્ટર્ન કલ્ચરમાં મીણબત્તી સળગાવી જન્મદિવસની ઉજવણી કરવાની પરંપરાનો યુવાનોએ ત્યાગ કરવો જોઇએ. એક દિવાથી બીજો દિવો પ્રગટાવીને સૌના જીવનમાં પ્રકાશ લાવીએ. પર્યાવરણની દ્રષ્ટિએ પણ ધુમાડો નુકસાન કરે છે જ્યારે શુદ્ધ ઘીનો દિવો પર્યાવરણને વધુ શુદ્ધ કરે છે. શ્રી વૈષ્ણવાચાર્યના આ સંસ્કૃતિ જતનના અભિયાનને આપણે સૌ સાથે મળી આગળ વધારીએ તેવો તેમનો અનુરોધ કર્યો હતો. શ્રી વૈષ્ણવાચાર્યના ૩૫માં જન્મદિવસે આપણે સૌ દિવો પ્રગટાવવાનો સંકલ્પ કરીએ તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, વોટર હાર્વેસ્ટિંગને પ્રાધાન્ય આપીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના મંત્ર “જળ હૈ તો જીવન હૈ” પાણીને પારસમણી સમજી ઉપયોગ કરીએ. રાજ્ય સરકારે પાણીના જતન માટે અનેક પગલાં લીધા છે. વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગનો સફળ પ્રયોગ હાથ ધર્યો છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરે તે ખૂબ જરૂરી છે. અગાઉના સમયમાં ઘરોમાં આ વ્યવસ્થા હતી જેને આપણે પુન: પ્રસ્થાપિત કરવા શ્રી વ્રજરાજકુમારજીએ તેમના ૩૫માં જન્મદિવસ નિમિત્તે આપણને પ્રેરણા આપી છે. ઊર્જાને સરપ્લસ સ્ટેટ બનાવવાનો આપણો સંકલ્પપૂર્ણ થયો છે તેમ પાણી ક્ષેત્રે પણ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવા આ અભિયાન પાયાની ભૂમિકા ભજવશે. ગુજરાત સરકારે પણ ચેકડેમ, બોરીબંધ, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, નવા બનાવવા, નદીઓને પુન: જીવિત કરવાનો અભિયાનને દર વર્ષે હાથ ધરીને આપણે ગુજરાતમાં પાણી સંગ્રહની ક્ષમતા વ્યાપક પ્રમાણમાં વધારી રહ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત એક પ્રોગેસિવ સ્ટેટ તરીકે આવનાર સમયમાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના ડિસેલિનીશન પ્લાન્ટનું ખાતમૂર્હુત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતમાં ગટરના પાણીનો રિ-યુઝ કરીને પુન: ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આવનાર દિવસોમાં ગુજરાત વોટર સરપ્લસ તરીકે આગળ વધી રહ્યું છે આપણે પાણીદાર ગુજરાત બનાવવું છે. શ્રી વ્રજરાજકુમારજીના ૩૫માં જન્મદિવસ નિમિત્તે તેમના વિશ્વભરના અનુયાયીઓ આ અભિયાનને આગળ વધારશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  
મુખ્યમંત્રીએ આ પ્રસંગે પાણી, પર્યાવરણ અને પ્રકાશને જીવંત બનાવવા યુવાનોને અનુરોધ કર્યો હતો.
વડોદરા ખાતેથી પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીએ આર્શીવચન આપતાં કહ્યું હતું કે, કોરોના કાળમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયાસ કરીને કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવી શકી છે. ભારતીય સંસ્કૃતિમાં જન્મદિવસે દિવો પ્રગટાવીને સંસ્કૃતિનું જતન કરવાનો સંકલ્પ કરીએ. વરસાદી પાણી પ્રભુનો પ્રસાદ છે તેનું આપણે જતન કરવું પડશે તેવો યુવાનોને અનુરોધ કર્યો હતો.
આ ઉજવણી પ્રસંગે વડોદરા ખાતે ધારાસભ્ય મનીષાબેન વકીલ, ધારાસભ્ય સીમાબેન માહિલે તેમજ વલ્લભ યુથ ઓર્ગેનાઇજેશનના હજારો અનુયાયીઓ સહિત આગેવાનો ઓનલાઇનના માધ્યમથી જોડાયા હતા.

(8:41 pm IST)